ગુજરાત
News of Thursday, 24th June 2021

ધો.10 અને ધો.12ના રીપીટર વિદ્યાર્થીઓને પ્રોગ્રેસન આપવા માટે કોંગ્રેસની માંગ :મુખ્યમંત્રીને લખ્યો પત્ર

રીપીટર વિદ્યાર્થીઓની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરાતા કોંગ્રેસના મુખ્ય પ્રવકતા ડો. મનીષ દોશીએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો

ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગઇકાલે તા.22મી જૂનના રોજ ધો.10 અને ધો.12ના રીપીટર વિદ્યાર્થીઓની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કર્યો છે. બીજી તરફ કોંગ્રેસના મુખ્ય પ્રવકતા ડો. મનીષ દોશીએ રાજયના મુખ્યમંત્રી વિજય રૂપાણીને ધો.10 અને ધો.12ના રીપીટર વિદ્યાર્થીઓને પ્રોગ્રેસન આપવા માટે માંગણી કરી છે.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવકતા ડો. મનીષ દોશીએ મુખ્યમંત્રીને ઉદ્દેશીને લખેલા પત્રમાં જણાવ્યું છે કે, કોરોના વૈશ્વિક મહામારીમાં સૈથી વધુ કોઇ ક્ષેત્રને અસર થઇ હોય તો તે શિક્ષણ વ્યવસ્થા છે. માર્ચ-2020થી કોરોના કાળમાં શાળા- કોલેજો સંપૂર્ણ બંધ છે અને કયારે ખુલશે તે અંગે કહી શકાય તેમ નથી. કોરોનાના વધતાં જતાં સંક્રમણ- કોરોનાની બીજી લહેરને ધ્યાનમાં લઇને જ સીબીએસઇ સહિતના નેશનલ બોર્ડ દ્વારા ધો.10 અને ધો.12ના વિદ્યાર્થીઓની પરીક્ષા રદ કરીને માસ પ્રમોશન-કમ-માસ પ્રોગ્રેશનનો નિર્ણય કરવામાં આવ્યો છે.

ત્રીજી લહેરને ધ્યાનમાં લઇને કોરોના સંક્રમણના વધતા જતા કેસ અને મુત્યુઆંકને ધ્યાનમાં લઇને જ સીબીએસઇના ધો.10 અને 12ની પરીક્ષા અંગેના નિર્ણય બાદ ગુજરાત સરકારે પણ ધો.10 અને 12ની પરીક્ષા રદ કરીને માસ પ્રમોશન કમ માસ પ્રોગ્રેસનની જાહેરાત કરી હતી. બીજીબાજુ ધો.10 અને 12ના રીપીટર વિદ્યાર્થીઓ માટે રાજય સરકાર પરીક્ષા લેવા અંગેનું સમયપત્રક જાહેર કરી ચુકી છે. જેનાથી રીપીટર વિદ્યાર્થીઓના માતા-પિતા પરિવારમાં વ્યાપક ચિંતા ઊભી થઇ છે.

ડો. દોશીએ વધુમાં એમ પણ જણાવ્યું છે કે, ગુજરાતમાં ધો.10માં 3.80 લાખ અને ધો.12માં 1,10,000 જેટલા રીપીટર વિદ્યાર્થીઓની સંખ્યા છે. કોરોના સંક્રમણને ધ્યાનમાં લઇને રેગ્યુલર વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યની ચિંતા સરકાર કરે છે તેવી જાહેરાત સાથે સરકાર વાહવાહી લઇ રહી છે તો પછી રીપીટર વિદ્યાર્થીઓના કોરોના સંક્રમણની ચિંતા કોણ કરશે, શું કોરોના વાયરસ રીપીટર વિદ્યાર્થીઓને અસરકર્તા નથી, રિપીટર વિદ્યાર્થીઓ ગુજરાતના આપણા બાળકો નથી, શું રાજય સરકારની જવાબદારી બનતી નથી કે દરેક બાળકને કોરોના સંક્રમણથી બચાવે

તેમણે વધુમાં જણાવ્યું છે કે, ધો.10 અને 12ના રીપીટર વિદ્યાર્થીઓના વાલીઓ પણ સતત ચિંતિત છે. કોરોના મહામારીમાં 4.50 લાખ જેટલાં વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યની ચિંતા કરવા માટે વિનંતી કરી છે. વહેલીતકે આ વિદ્યાર્થીઓને રાહત આપવામાં આવશે તેવી આશા વ્યક્ત કરી છે.

(1:16 am IST)