ગુજરાત
News of Monday, 24th June 2019

ડાંગર ટેકાના ભાવે ખરીદીને પૈસા ના ચુકવતા પેટલાદ એપીએમસીના ચેરમેન સહિત ૪ વિરૂધ્ધ ફરિયાદ

પેટલાદ: એપીએમસીના ચેરમેન સહિત ચાર વ્યક્તિઓ વિરૂદ્ઘ ખેડૂતોની ડાંગર ટેકાના ભાવે ખરીદી કરીને બાદમાં પૈસાની ચુકવણી ના કરતાં તારાપુર પોલીસે છેતરપીંડી અને વિશ્વાસઘાતનો ગુનો દાખલ કરીને તપાસ હાથ ઘરી છે. 

ડેમોલ ગામે રહેતા અને પેટલાદ એપીએમસીના ડીરેક્ટર પંકજભાઈ હરમાનભાઈ પટેલે આપેલી ફરિયાદમાં જણાવ્યું છે કે સને ૨૦૧૮માં ગુજકોમાસોલ સાથે ડાંગરની ટેકાના ભાવે ખરીદી કરવાનું નક્કી થયું હતુ. જે અંતર્ગત ૩૭૦ પ્રતિ મણ ડાંગરના ટેકાના ભાવ નક્કી કરવામાં આવ્યા હતા. પરંતુ પેટલાદ એપીએમસીના ચેરમેન તેજશભાઈ બીપીનભાઈ પટેલ (પીપળાવ), અરવિંદભાઈ ભાવસાર (પેટલાદ), રજનીભાઈ પુનમભાઈ ઠાકોર (વીશ્રામપુર) તેમજ સંદિપભાઈ બિપીનભાઈ પટેલ (પીપળાવ)દ્વારા કેટલાક ખેડૂતો પાસેથી માત્ર ૩૦૦ના ભાવે ડાંગર ખરીદી હતી અને કેટલાકને તો પૈસાની ચુકવણી જ કરી નહોતી. આ કિંમત ૯.૪૦ લાખ રૂપિયા જેટલી થવા જાય છે. 

(5:25 pm IST)