ગુજરાત
News of Monday, 24th June 2019

આગામી ૪૮ કલાકમાં ગુજરાતમાં ચોમાસાનો વિધીવત પ્રારંભઃ હવામાન વિભાગની આગાહી

અમદાવાદ :સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ છવાયો છે. સોમવારે બપોર પછી દક્ષિણ ગુજરાત-સૌરાષ્ટ્રમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રીની સાથે રાજ્યનાં વિવિધ વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા હવામાન નિષ્ણાતે વ્યક્ત કરી છે. રાજ્યમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે, જેને પગલે બે દિવસ ભારે વરસાદની આગાહી હવામાન ખાતા દ્વારા કરવામાં આવી છે. તેમાં સૌથી વધુ દક્ષિણ ગુજરાત ભારે વરસાદની આગાહી છે. આગામી 48 કલાકમાં વિધિવત ચોમાસાની શરૂઆત થઈ જશે. ગુજરાતમાં વરસાદના આગમનની હવે હવામાન વિભાગે ગઈકાલે વિધિવત જાહેરાત કરી છે.

સુરતમાં વીજળીના કડાકા સાથે વરસાદ વરસ્યો

ત્રણ દિવસના વિરામ બાદ આજે ફરી મેઘરાજા સુરતમાં મન મૂકીને વરસ્યા હતા. આજે વીજળીના કડાકા ભડાકા સાથે સુરતના ચોકબજાર, નાનપુરા સહિતના વિવિધ વિસ્તારોમા ધોધમાર વરસાદ પડયો હતો. વરસાદ પડતાની સાથે ભારે બફારા સામે લોકોએ ઠંડકનો અનુભવ થયો હતો. સાથે રિંગરોડ, ચોકબજાર વિસ્તારમા વરસાદના કારણે ટ્રાફિક જામની પરિસ્થિતિ સર્જાય હતી. જો કે બીજી તરફ વરસાદ પડતા ખેડૂતોમા પણ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. કારણ કે છેલ્લા કેટલાક સમયથી દક્ષિણ ગુજરાતમા પાણીની અછતની સમસ્યા ચાલી રહી છે, જેને કારણે તેઓ વાવણી સમયસર કરી શક્યા નથી. આજે જ્યારે મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે, ત્યારે ખેડુતોએ શેરડી તથા ડાંગરના પાકની વાવણી શરૂ કરી દીધી હતી.

નવસારી-બારડોલી-મહુવામાં વરસાદ

સુરતની સાથે દક્ષિણ ગુજરાતમાં નવસારી, બારડોલી, મહુવા સહિતના અનેક વિસ્તારોમાં મેઘરાજાએ એન્ટ્રી કરી હતી. નવસારી શહેર સહિત અનેક વિસ્તારો મેઘરાજાની એન્ટ્રી કરી છે. ઉલ્લેખનીય છે કે, તાપી જિલ્લામાં ગત રાત્રિ દરમ્યાન વરસાદી ઝાપટા બાદ સવારે મેઘરાજા મન મૂકી વરસ્યા હતા. તાપી જિલ્લાના 7 તાલુકાઓમાં વરસાદ પડ્યો હતો. જેમાં સોનગઢ, વ્યારા, વાલોડ, ડોલવણ, ઉચ્છલ, નિઝર, કુકરમુંડામાં વરસાદ આવતા અતિશય ગરમી બાદ લોકોએ ઠંડકથી રાહતનો દમ લીધો હતો.

સૌરાષ્ટ્રમાં પણ ખાબકશે વરસાદ

હવામાન વિભાગે આપેલી માહિતી અનુસાર, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં બે દિવસ સામાન્ય વરસાદથી ભારે વરસાદની આગાહી છે જ્યારે દક્ષિગ ગુજરાતનાં અનેક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. અમદાવાદમાં પણ હળવાથી સામાન્ય વરસાદની આગાહી છે.

(5:02 pm IST)