ગુજરાત
News of Monday, 24th June 2019

નરેન્દ્ર મોદીની પ્રજાલક્ષી નિતીથી દેશમાં કેસરિયો લહેરાયો : જીતુ વાઘાણી

વાઘાણીના નેતૃત્વમાં કમલમ્માં સંગઠન પર્વની કાર્યશાળા યોજાઈ : અમિત શાહની સંગઠનાત્મક રણનીતિના કારણે ભાજપની શક્તિ અનેક ગણી વધી છે : ઐતિહાસિક જનાદેશથી જવાબદારી પણ વધી ગઈ : ભુપેન્દ્ર યાદવ

અમદાવાદ,તા.૨૩  : ભાજપા પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીની અધ્યક્ષતામાં આજરોજ શ્રી કમલમ કોબા, ગાંધીનગર ખાતે સંગઠન પર્વ અંતર્ગત પ્રદેશ સ્તરીય કાર્યશાળા યોજાઇ હતી, જેમાં રાષ્ટ્રીય મહામંત્રી અને પ્રદેશ પ્રભારી ભુપેન્દ્ર યાદવે વિશેષ ઉપસ્થિત રહી માર્ગદર્શન આપ્યુ હતુ. પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ તેમના અધ્યક્ષીય ઉદ્બોધનમાં જણાવ્યુ હતુ કે, આજનો દિવસ એ ભાજપાના કાર્યકર્તા માટે એક મહત્વનો દિવસ છે. ભારતીય જનસંઘના સ્થાપક અને આપણી વિચારધારાના પ્રેરણામૂર્તિ એવા ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જીનો આજે બલિદાન દિવસ છે. એક દેશ મેં દો વિધાન, દો નિશાન, દો પ્રધાન નહીં ચલેગાના નારા સાથે કાશ્મીરના સંપૂર્ણ એકીકરણ માટે જેમણે શહીદી વ્હોરી તેવા તપસ્વી પુરુષ ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જીની દિવ્યચેતના આપણને અને આવનારી પેઢીને રાષ્ટ્રસેવા માટે સતત પ્રેરણા અને માર્ગદર્શન આપતી રહેશે. વાઘાણીએ જણાવ્યુ હતુ કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પ્રજાલક્ષી નીતિઓ અને રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની સંગઠનાત્મક રણનીતિને લીધે આજે સમગ્ર દેશમાં ભાજપાનો કેસરીયો લહેરાયો છે. ભાજપા સરકારોની જનકલ્યાણકારી નીતિઓ અને યોજનાઓને લીધે ભાજપા આજે ખરા અર્થમાં છેવાડાના માનવીની પાર્ટી બની છે. આગામી ૬ જુલાઇથી દેશભરમાં ભાજપા દ્વારા સંગઠન પર્વ અંતર્ગત સદસ્યતા વૃધ્ધિ અભિયાન શરૂ થનાર છે. સંગઠન પર્વએ આપણા માટે તહેવાર છે, ત્યારે ઉત્સાહ અને ઉમંગથી જનતા વચ્ચે જઇ ભાજપાની વિચારધારા વધુને વધુ લોકો સુધી પહોંચાડી રાષ્ટ્ર પ્રથમનો વિચાર વધુ પ્રબળ બનાવીએ. ભાજપાના રાષ્ટ્રીય મહામંત્રી અને ગુજરાતના પ્રભારી ભુપેન્દ્ર યાદવે તેમના પ્રેરણાત્મક ઉદ્બોધનમાં જણાવ્યુ હતુ કે, પાર્ટીના આદ્ય સ્થાપક ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જીના બલિદાન દિવસે આપણે દેશની એકતા, અખંડિતતા અને સમૃધ્ધિ માટે ભાજપાનો રાષ્ટ્રવાદી વિચાર વધુ વ્યાપક બનાવવા માટેની આ કાર્યશાળામાં એકઠા થયા છીએ તે જ તેમના આત્મા માટે એક દિવ્ય શ્રધ્ધાંજલી બની રહેશે. ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જી વિચક્ષણ રાજપુરૂષ, વકીલ તથા ઉમદા શિક્ષણવિદ્ હતા. માત્ર ૩૩ વર્ષની ઉંમરે તેઓ કલકત્તા યુનિવર્સીટીના કુલપતી બન્યા હતા. આઝાદી બાદ ભારતના પ્રથમ મંત્રીમંડળમાં તેઓ સ્થાન પામ્યા હતા પરંતુ રાષ્ટ્રના હિત માટે તેમણે સત્તા ઠુકરાવી રાજીનામુ આપી પોતાનું જીવન રાષ્ટ્રને સમર્પિત કર્યુ હતુ. કાશ્મીર ભારતનો અભિન્ન અંગ છે ભારતમાં તેનો પુર્ણ વીલય થવો જોઇએ તે માટે પરમીટ પ્રથાનો વિરોધ કરી તેમણે જનઆંદોલન ચલાવ્યુ હતુ. કાશ્મીરની સીમામાં પ્રવેશતા તેમની ધરપકડ કરવામાં આવી હતી અને સંદીગ્ધ સંજોગોમાં જ તેમનું મૃત્યુ થયુ હતુ. તે વખતની નેહરૂ સરકારે તે બાબતે કોઇ ખુલાસો પણ કર્યો નહોતો. આ રીતે આપણી પાર્ટીના પ્રથમ પ્રમુખે તેમનું જીવન ભારતની એકતા માટે ખપાવી દીધુ હતુ. યાદવે જણાવ્યુ હતુ કે, ૨૦૧૯ લોકસભાના ઐતિહાસિક જનાદેશ બાદ આપણી જવાબદારીઓ પણ ખુબ વધી જાય છે. સમાજનો જેમ જેમ વિસ્તાર થતો જાય તેમ તેમ ભાજપાની વિચારધારાનો વ્યાપ પણ થતો રહેવો જોઇએ. ભવિષ્યના ઉજ્જવળ ભારતનો પાયો નાંખવાનું કામ સંગઠન પર્વ દ્વારા થાય છે. આજની બેઠકમાં તમામ પાસા પર ચર્ચા થઈ હતી. યોજાશે, ત્યારબાદ ૧ થી ૫ જુલાઇ સુધીમાં પ્રત્યેક મંડલમાં પણ બેઠકો યોજાશે, તારીખ ૨૪ જુન થી ૩૦ જુન દરમ્યાન જીલ્લાવાર યોજાનાર બેઠકમાં સંગઠન પર્વ, ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જી બલિદાન દિવસ તથા ૨૫ જુન-દેશની લોકશાહી માટેનો કાળો દિવસ એટલે કે કોંગ્રેસ દ્વારા નાંખવામાં આવેલ કટોકટી. આ ત્રણ એજન્ડા સાથે બેઠકોમાં વાર્તાલાપ થશે. ગુજરાતના ૫૧,૮૦૦ બુથમાં ભાજપાના કાર્યકર્તાઓ સભ્ય બનાવશે. આગામી ૬ જુલાઇથી ૧૧ ઓગષ્ટ સુધી આ સદસ્યતા વૃધ્ધિ અભિયાન ચાલશે.આ સદસ્યતા વૃધ્ધિ અભિયાનમાં ગુજરાતના તમામ લોકો જોડાઇ શકે છે. ૮૯૮૦૮૦૮૦૮૦ નંબર પર કોલ કરવાથી એક મેસેજ મળશે, જેમાં આપેલ લીંક પર ક્લીક કરવાથી ફોર્મ ખુલશે, જેમાં જરૂરી વિગતો ભરી સબમીટ કરવાથી કોઇપણ વ્યક્તિ ભાજપાનો પ્રાથમિક સભ્ય બની શકશે. જે લોકો પાસે સામાન્ય મોબાઇલ (સ્માર્ટ ફોન સિવાયનો) હોય તે લોકો ૮૯૮૦૭ ૮૯૮૦૭ નંબર પર પોતાનું નામ, સરનામુ જેવી વિગતો મોકલી શકાશે.

(9:29 pm IST)