ગુજરાત
News of Sunday, 24th June 2018

મિસ દિવા-યુનિવર્સ ઇન્ડિયા ૨૦૧૮નું શહેરમાં ઓડિશન

ઓડિશનના અંતે છ વિજેતા યુવતીઓની પસંદગી : વિજેતા યુવતીઓ મુંબઇ ખાતે મિસ યુનિવર્સના આગળના ઓડિશન માટે જશે, અમદાવાદની યુવતીનો પણ સમાવેશ

અમદાવાદ,તા.૨૪ : બુધ્ધિ, સંચાર કૌશલ્ય અને પરફેક્ટ બોડી સહિતના પરિમાણોના મિશ્રણ ધરાવતી યુવતીઓ માટેની મિસ દિવા-મિસ યુનિવર્સ ઇન્ડિયા-૨૦૧૮નું ઓડિશન આજે અમદાવાદ શહેરમાં યોજાયુ હતું. જેમાં નિષ્ણાત જજીસની પેનલ સમક્ષ રેમ્પ વોક સહિતના પરિમાણો પર ખરા ઉતર્યા બાદ આખરે છ વિજેતા સુંદર યુવતીઓની પંસદગી કરવામાં આવી હતી. આ વિજેતા યુવતીઓ હવે મુંબઇમાં મિસ યુનિવર્સ-૨૦૧૮ના આગળના ઓડિશન માટે જશે. વિજેતા યુવતીઓમાં અમદાવાદની નેહલ ચુડાસમા ઉપરાંત સીમરન કૌર, શિવાલી તોમર, રિયા રાવલ, અદિતી હુંડીયા અને ઐશ્વર્ય દેવનાનીનો સમાવેશ થાય છે. મિસ યુનિવર્સ-૨૦૧૮ની શોધ હવે શરૂ થઇ ગઇ છે. જેમાં યામાહા ફેસીનો મિસ દિવા-૨૦૧૮ સમગ્ર દેશમાંથી ઉમેદવારો(યુવતીઓ)ની પસંદગી થશે અને તે આખરે મિસ યુનિવર્સ-૨૦૧૮માં ભારતનું પ્રતિનિધિત્વ કરસે. અમદાવાદ સહિત લખનૌ, કોલકત્તા, ઇન્દોર, હૈદ્રાબાદ, પૂણે, બેંગ્લોર, ચંદીગઢ અને દિલ્હી સહિતના દસ શહેરોમાં આજથી ઓડિશન શરૂ થયું હતું. જેમાં આજે અમદાવાદમાં પંચવટી વિસ્તારમાં આવેલી રેડીશન બ્લુ ખાતે ઓડિશન યોજાયું હતું. યામાહા ફસિનો મિસ દિવા-૨૦૧૭ની સેકન્ડ રનર અપ, જાણીતી અભિનેત્રી દિક્ષા જોષી અને ફેશન ડિઝાઇનર નેન્સી લુહારુવાલા જજીસની પેનલમાં હતા અને તેમણે સ્પર્ધક યુવતીઓને પસંદ કરી તેમના સ્ક્રીનીંગ કર્યા હતા. સ્પર્ધક યુવતીઓને રેમ્પ વોક, પરફેકટ બોડી, સંચાર કૌશલ્ય સહિતના વિવિધ પરિમાણો પર તેમની કસોટી કરવામાં આવી હતી અને તેમાં સફળ થનાર છ સુંદર યુવતીઓની આખરે પસંદગી કરવામાં આવી હતી. મિસ દિવા-મિસ યુનિવર્સનું ઓડિશન મુંબઇમાં સમાપ્ત થશે. એ પછી ચાર શહેરોનો પ્રવાસ હશે જે આ વખતે સૌપ્રથમવાર રજૂ કરાયો છે. એ પછીનો તબક્કો ગોવા, દિલ્હી, ચેન્નાઇ અને મુંબઇમાં થીમેટીક બેઝ પર આધારિત હશે. તેમાંથી પસંદ થયેલી વિજેતા સ્પર્ધક યુવતીઓમાંથી કોઇ લકી ગર્લ મિસ યુનિવર્સ-૨૦૧૮માં ભારતનું પ્રતિનિધિત્વ રજૂ કરશે. ઉલ્લેખનીય છે કે, અગાઉ પેજન્ટે નેહા ધૂપિયા, ઉર્વશી રૌતેલા અને માનસી મોઘે આ સફળતા પામી ચૂકયા છે.

(9:17 pm IST)