ગુજરાત
News of Tuesday, 24th May 2022

તારાપુર તાલુકાના મહિયારી પાટિયા નજીક હોસ્પિટલમાં દાખલ જમાઈને મળી આવતા સસરાનું અકસ્માતમાં મૃત્યુ નિપજતા પરિવારની માથે આભ ફાટ્યું

તારાપુર : તારાપુર તાલુકાના મહિયારી પાટીયા પાસે વળાંકમાં બાઇકને પાછળથી આવતા ટ્રેકટરે ટક્કર મારતાં  અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઇક સવાર પુત્ર ને શરીરે વત્તા ઓછા પ્રમાણ માં ઈજાઓ થઈ હતી. જ્યારે અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલાં પિતાનું મોત નિપજ્યું હતું. અકસ્માત અંગે હરપાલસિંહે ટ્રેક્ટર ચાલક વિરૂધ્ધ ફરિયાદ કરતા તારાપુર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

તારાપુર તાલુકાના મહિયારી ગામના હરપાલસિંહ લધુભા પરમાર ગતરોજ પોતાનું બાઇક લઇને તેમના પિતાજી લધુભાને લઈને તારાપુર સઆદત હોસ્પિટલમાં બનેવીની ખબર જોઈ સાંજ નાં સમયે પરત આવી રહ્યા હતા. ત્યારે મહિયારી ગામના પાટીયા પાસે માતાના મઢ નજીક વળાંકમાં પહોંચતા પાછળથી આવતા ટ્રેકટરના ચાલકે ટક્કર મારતાં પિતા અને પુત્ર બંને જણા રોડ પર પટકાયા હતા. જેમાં હરપાલસિંહને હાથે તેમજ પગે ઈજા પહોંચી હતી. જ્યારે તેના પિતા લધુભાને માથામાં ભાગે ગંભીર ઈજાઓ તેમજ શરીરના અન્ય ભાગોમાં ઈજાઓ થતાં ૧૦૮ મારફતે તારાપુર સરકારી દવાખાને સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા. જ્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. અકસ્માત અંગે હરપાલસિંહએ તારાપુર પોલીસ મથકે આવી ટ્રેક્ટર ચાલક રમેશભાઇ ગોકળભાઇ રાઠોડ (રહે.સિંજીવાડા, તા - માતર) વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા તારાપુર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. 

(6:29 pm IST)