ગુજરાત
News of Tuesday, 24th May 2022

ગાંધીનગરમાં ગ્રામ્ય વિસ્તારમાં મિલકત ધારકોને ડ્રોનના સર્વેથી આપવામાં આવશે પ્રોપર્ટી કાર્ડ

ગાંધીનગર :  કેન્દ્ર સરકારની સ્વામિત્વ યોજનાની પાયલોટ પ્રોજેક્ટ તરીકે ગાંધીનગરથી શરૃઆત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેના અંતર્ગત શહેરી વિસ્તારની જેમ ગ્રામ્ય વિસ્તારના મિલકતધારકોને પણ પ્રોપર્ટી કાર્ડ આપવામાં આવશે. તેના માટે દરેક મિલકતનું ચુનાથી માકગ કર્યા બાદ દિલ્હીથી આવેલી ટીમ દ્વારા ડ્રોન ઉડાડીને સર્વે કરવામાં આવશે. જિલ્લામાં ગાંધીનગર તાલુકાના ૧૮ ગામમાં તેનું કામ પૂર્ણ કરી દેવાયું છે.

રાજ્યના પંચાયત અને મહેસૂલ વિભાગના સુત્રમાંથી જાણવા મળ્યા પ્રમાણે ગ્રામ્ય વિસ્તારમાં મિલકતધારકોને પણ શહેર વિસ્તારની જેમ પ્રોપર્ટી કાર્ડ આપવા માટે કેન્દ્ર સરકાર દ્વારા સ્વામિત્વ નામથી યોજના અમલમાં મુકવામાં આવી છે. તેના અંતર્ગત દરેક ગામમાં રહેણાંકની મિલકતોના ક્ષેત્રફળનો સર્વે કરીને તેના પરથી પ્રોપર્ટ કાર્ડ તૈયાર કરવાના થાય છે. આ માટે ડ્રોન ફ્લાટનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. જેના કારણે મિલકતના માપમાં ખુબ ચોક્સાઇ લાવી શકાય છે. ગુજરાત રાજ્યમાં ગાંધીનગર જિલ્લાથી પાયલોટ પ્રોજેક્ટ તરીકે આ કામની શરૃઆત કરાઇ છે. બાદમાં તમામ જિલ્લામાં જિલ્લા પંચાયતના સહયોગમાં આ કામગીરી કરાવાશે. જોકે પ્રોપર્ટ કાર્ડ તૈયાર કરવા માટેની તમામ પ્રક્રિયાની જવાબદારી સીધી રીતે તો સુપ્રિટેન્ડેન્ટ ઓફ લેન્ડ રેકર્ડ કચેરીએ કરવાની થાય છે. પરંતુ રાજ્યની તમામ રહેણાંક મિલકતોને આવરી લેવાની હોવાથી દરેક ગામમાં દરેક ઘરની ફરતે ચુના માકગ કરી આપવાનું કામ જિલ્લા પંચાયતના શિરે મુકવામાં આવ્યું છે.

(6:24 pm IST)