ગુજરાત
News of Sunday, 24th May 2020

વડોદરામાં જેલના કાચા કામના કેદીની જેલમાં જ આત્‍મહત્‍યાથી જેલ તંત્ર મુંઝાયું

સગીરા પર બળાત્‍કાર નો હવે આરોપ જેલમાં જ રૂમાલથી ફાંસો ખાઇ જીવ દીધો

વડોદરાઃ અહીંની સેન્‍ટ્રલ જેલમાં બળાત્‍કારના આરોપસર રહેલા એક કેદીએ જેલમાં રૂમાલ વડે ગળાફાંસો ખાઇ જીવ દેતા જેલ તંત્રમાં ભારે મુંઝવણ પેદા થવા પામી હતી.

શહેરની સેન્ટ્રલ જેલ (Vadodara Central Jail)માં કાચા કામના કેદી યુવકે આવેશમાં આવી જેલની બેરેકમાં ફાંસી ખાઈ આત્મહત્યા (Suicide) કરી લેતા ચકચાર મચી જવા પામી હતી. કાચા કામના કેદી તરીકે જેલ આરોપીને સગીરા અપહરણ (Kidnapping) કેસમાં જેલ હવાલે કરવામાં આવ્યો હતો. 19 વર્ષના યુવાન આરોપીએ ગઈકાલે સાંજે ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ યુવક સામે પોસ્કો એક્ટ  હેઠળ ગુનો નોંધાયો હતો.

વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકાના બોર ગામના રહેવાસી સંજય કનુભાઈ વસાવા સુરત ખાતે હીરાના વેપારમાં શ્રમજીવી તરીકે કામ કરતો હતો. ગત વર્ષના જાન્યુઆરી માસમાં સંજય વસાવા સામે બોરબાર ગામની સગીરાના અપહરણનો ગુનો નોંધાયો હતો. પોસ્કો હેઠળ ગુનો નોંધાયા બાદ તેને કાચા કામના કેદી તરીકે વડોદરા સેન્ટ્રલ જેલમાં રાખવામાં આવ્યો હતો.

શહેર એસીપી મેઘા તેવારે સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે આરોપી સંજયની તબિયત અંગે ફરિયાદ કરતા તેને બપોરના સમયે સયાજી હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યો હતો. સારવાર બાદ સંજયને પરત જેલમાં લઈ જવામાં આવ્યો હતો પરંતુ સાંજના સમયે જેલની બેરેક નંબર 4 પાસેની ખુલ્લી જગ્યામાં છતના લાકડાના સાથે રૂમાલ વડે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી.

ઘટનાના પગલે જેલ સત્તાધીશો ચોંકી ઉઠ્યા હતા અને સમગ્ર મામલે રાવપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી હતી. પોલીસે જેલ વહીવટી તંત્ર સહીત કેદીઓના નિવેદન લઇ તાપસ હાથ ધરી છે. આરોપી માનસિક રીતે હતાશા અનુભવતો હોવાનું પ્રાથમિક તારણ જણાયું છે પોલીસે પોસ્ટમોર્ટમની કાર્યવાહી હાથ ધરી છે.

(3:47 pm IST)