ગુજરાત
News of Friday, 24th May 2019

ભગવાન આવો દિવસ કોઈને ન દેખાડે:20 માતાઓનો ખોળો થયો સૂનો:લાડકવાયાને મોકલ્યો હતો ભણવા,આવ્યો મૃતદેહ

ક્લાસીસમાં લાગેલી આગમાં 20 બાળકો ભડથું: જીવ બચાવવા માટે વિદ્યાર્થીઓએ બિલ્ડિંગમાંથી કુદ્યા : ફાયરબ્રિગેડ મોડુ પહોંચ્યું: પુરતા સાધનો નહોતાં:વિદ્યાર્થીઓએ છલાંગ મારવાની ફરજ પડી

 

સુરત: સુરતના સરથાણામાં આવેલા એક ટ્યૂશન ક્લાસીસમાં લાગેલી આગમાં 20 બાળકો ભડથું થઇ ગયા. બાળકો ભણવા માટે ક્લાસમાં ગયા હતા.પરંતુ 20 માતાઓનો ખોળો સુનો થઈ ગયો તેઓ ઘરેથી નીકળ્યા ત્યારે કોઈને સ્વપ્નેય ખ્યાલ નહોતો કે તેમના સ્થાને તેમનો મૃતદેહ ઘરે પહોંચશે. સરકારે બાળકોનાં પરિવારને ચાર લાખની સહાય કરીને જવાબદારી વાલીઓનાં ઘા પર મલમ લગાડવાની કોશિશ કરી, પરંતુ સવાલ છે કે આખરે ક્યાં સુધી આવી બેદરકારીની આગ નિર્દોષોનો ભોગ લેતો રહેશે?

  દર્દનાક ઘટના સુરતના સરથાણા જકાતનાકા પાસે આવેલા તક્ષશિલા આર્કેડમાં આવેલા કલાસીસમાં બપોરના સમયે અચાનક પ્રચંડ આગ ફાટી નીકળી. તે સમયે ક્લાસીસમાં 40થી વધુ વિદ્યાર્થીઓ ભણી રહ્યાં હતા. આખો બીજો માળ આગની ઝપટમાં આવી ગયો. જીવ બચાવવા માટે વિદ્યાર્થીઓએ નાસભાગ કરી મુકી. પોતાના પ્રાણ બચાવવા માટે કોઈ રસ્તો મળતાં કેટલાક વિદ્યાર્થીઓએ બીજા માળેથી નીચે છલાંગ લગાવવી. આશરે સાતથી આઠ વિદ્યાર્થીઓ જીવ બચાવવા માટે નીચે કુદ્યા, પરંતુ કેટલાક કમનસીબ સાબિત થયા અને નીચે પટકાતાં ગંભીર ઇજાથી તેમના મોત થઇ ગયા.

   પ્રચંડ આગ લાગ્યાનો કોલ મળ્યાં બાદ ફાયરબ્રિગેડ અડધો કલાકથી વધુ મોડુ પહોંચ્યું હોવાનો સ્થાનિક લોકોએ આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે, ફાયરબ્રિગેડ આવી ગયું હોવા છતાં તેમની પાસે પુરતા સાધનો નહોતાં. જેથી વિદ્યાર્થીઓએ ઉપરથી છલાંગ મારવાની ફરજ પડી હતી.

(12:58 am IST)