વડોદરાનાં અટલાદરા-પાદરા રોડ પર પાણી ભરેલ ટેન્કરની ટક્કરે માતા-પુત્રનું કમકમાટીભર્યા મોત : ટેન્કર ચાલક ફરાર
સમીયાલામાં માસીના ઘરે વેકેશન ગાળવા આવેલ : વડોદરામાં ખરીદી કરવા જતા રસ્તામાં કાળ ભેટ્યો
વડોદરાનાં અટલાદરા-પાદરા રોડ પર પાણી ભરેલા ટેન્કરની અડફેટે ટુ વ્હીલર પર સવાર માતા પુત્રનું ઘટના સ્થળે મોત નીપજ્યું છે. અકસ્માત બાદ ટેન્કર ચાલક ફરાર થઇ ગયો હતો
આ અંગે મળતી મુજબ પંચમહાલ જિલ્લાના સંતરામપુરનાં રહેવાસી 29 વર્ષનાં નિમીષાબહેન દરજી તેમના એક વર્ષના પુત્ર શૌર્યને લઇને ટુ વ્હીલર પર જઇ રહ્યાં હતાં. તેઓ પાદરા તાલુકાના સમીયાલા ગામમાં રહેતા માસીના ઘરે વેકેશન ગાળવા આવ્યા હતા.
આજે સવારે નિમીષાબહેન તેમના પુત્ર શૌર્યની સાથે ટુ-વ્હીલર પર વડોદરામાં ખરીદી કરવા માટે નીકળ્યા હતા. તે દરમિયાન અટલાદરા-પાદરા રોડ પર પસાર થઇ રહેલા પાણી ભરેલા ટેન્કર ચાલકે ટુ-વ્હીલર પર જઇ રહેલા માતા-પુત્રને અડફેટે લીધા હતા.
ટેન્કરની ટક્કર વાગતા જ માતા-પુત્ર રોડ પર પટકાયા હતાં. માતા પુત્ર ઉપર ટેન્કરના તોતીંગ પૈડાં ફરી વળતા બંનેના સ્થળ પર મોત નીપજ્યા હતા. આ બનાવની જાણ માંજલપુર પોલીસને કરવામાં આવી હતી. પોલીસે આ અંગે ટેન્કર ચાલક સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી .