ગુજરાત
News of Friday, 24th May 2019

ભચાઉની જેલમાં દારૂની મહેફીલ પરના એ દરોડો સીઆઈડી વડા આશિષ ભાટીયાની સૂચનાથી બોર્ડર વડા ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ પડાવેલો

પોલીસે જેલર પાસે દરવાજો ખોલાવી લોકઅપમાં ડોકયુ કરતા જ ચોંકી ઉઠેલઃ જયંતી ઠક્કર વિ.એ મહેફીલ જમાવેલઃ મોબાઈલ પણ હતો

રાજકોટ, તા. ૨૪ :. સમગ્ર ગુજરાતમાં ચકચાર જગાવનાર કચ્છના અબડાસાના પૂર્વ ધારાસભ્ય અને એક સમયના ભાજપના ઉપાધ્યક્ષ જયંતીભાઈ ભાનુશાળીની હત્યામાં સંડોવાયેલા મનાતા આરોપી જયંતી ઠક્કર ભચાવની સબ જેલમાં વીવીઆઈપી સવલતો મેળવતા હોવા સાથે દારૂની મહેફીલ માણી રહ્યાની બાતમી આધારે કચ્છના રેન્જ વડા ધર્મેન્દ્રસિંહ વાઘેલાની સૂચનાથી પોલીસે દરોડો પાડતા અન્ય આરોપીઓ સાથે દારૂની મહેફીલ ચાલી રહ્યાનું જોઈ પોલીસ પણ ચોંકી ઉઠી હતી. આરોપી પાસેથી મોબાઈલ ફોન પણ મળી આવ્યો હતો.

ભચાઉની જેલમાં ચાલતી દારૂની મહેફીલ પર જે દરોડો પડયો તેના મૂળમાં સીઆઈડી ક્રાઈમના વડા આશિષ ભાટીયાની જાગૃતિ પણ જવાબદાર હોવાનું સૂત્રો જણાવે છે. સૂત્રોમાંથી સાંપડતા નિર્દેશ મુજબ આરોપી જયંતી ઠક્કર જેલમાં મોબાઈલ ફોન વાપરવા સાથે અન્ય સવલતો મેળવી રહ્યાની માહિતી આધારે સીઆઈડી વડા આશિષ ભાટીયાએ કચ્છ બોર્ડર રેન્જના વડા ધર્મેન્દ્રસિંહ વાઘેલાનું ધ્યાન દોરતા તેઓએ પોતાની વિશેષ ટીમ મોકલી દરોડો પડાવ્યો હતો. ત્યાર બાદ તો જેલમાં સબ જેલમાં સરપ્રાઈઝ ચેકીંગ કરી જેલગાર્ડ પાસે દરવાજો ખોલાવી લોકઅપમાં તપાસ હાથ ધરતા જયંતી ઠક્કર અન્ય આરોપીઓ સાથે આરામથી શરાબની મહેફીલ માણી રહ્યાનું બહાર આવતા પોલીસ સ્ટાફ ચોંકી ઉઠયો હતો.

(11:54 am IST)