ગુજરાત
News of Friday, 24th May 2019

ગુજરાતમાં ભાજપને ૧પ૦ જેટલા વિધાનસભા ક્ષેત્રોમાં બહુમતી

કેસરિયા બ્રિગેડે ર૦૧૭માં જે લક્ષ્યાંક રાખેલો, તે ર૦૧૯માં પુરો થયો : પ્રજાએ આપવામાં મોડુ નથી કર્યુ, ભાજપે વહેલુ માંગી લીધેલ : ભાજપના કેટલાય નવા ચહેરા જીતી ગયા : કોંગીના પરેશ ધાનાણી, ભરતસિંહ, તુષાર ચૌધરી જેવા ધુરંધરો હાર્યા

રાજકોટ, તા., ૨૪: લોકસભાની ચુંટણીમાં ગઇકાલે પરીણામ જાહેર થતા ગુજરાતની તમામ ર૬ બેઠકો ઉપર સતત બીજી વખત ભાજપનો વિજય વાવટો લહેરાયો છે. કોઇ એક પક્ષે બીજી વખત બધી બેઠકો મેળવી હોય તેવું ગુજરાતમાં પ્રથમ વખત બન્યું છે. ર૦૧૭ની વિધાનસભાની ચુંટણીમાં ભાજપને ૯૯ અને કોંગ્રેસને ૭૭ બેઠકો મળેલ. આ વખતે રાજયના ૧પ૦ જેટલા વિધાનસભા ક્ષેત્રોમાં ભાજપને બહુમતી મળ્યાના વાવડ છે.

લોકસભાની ચુંટણીના પરીણામનું આંકડાકીય દ્રષ્ટિએ સમીક્ષકો વિશ્લેષણ કરી રહયા છે. રાજકોટ, જુનાગઢ જેવી કેટલીય લોકસભા બેઠકો એવી છે કે જયાં તેની હેઠળની તમામ વિધાનસભા બેઠકોમાં ભાજપને બહુમતી મળી છે અને કોંગ્રેસના સુપડા સાફ થઇ ગયા છે. પ્રાથમિક અનુમાન મુજબ ૧પ૦ કે તેથી થોડી વધુ બેઠકો ઉપર  વિધાનસભાની દ્રષ્ટિએ ભાજપને બહુમતી મળી છે. ભાજપે ર૦૧૭માં ૧પ૦ બેઠકોનો લક્ષ્યાંક રાખેલ તે વખતે ૯૯ બેઠકો મળેલ. અત્યારે ૧પ૦ આસપાસ વિધાનસભા બેઠકોમાં બહુમતી મળી છે. પ્રજાએ આપવામાં મોડુ નથી કર્યુ પરંતુ ભાજપે માંગવામાં વ્હેલું કર્યુ હતું.

ગુજરાતનું પરીણામ અનેક રીતે સુચક છે. સુરેન્દ્રનગર, આણંદ, પોરબંદર, મહેસાણા, છોટા ઉદેપુર જેવા વિસ્તારોમાં ભાજપના બીલકુલ નવા ગણાતા ચહેરા ચુંટાઇ ગયા છે.  કોંગ્રેસના વિધાનસભાના નેતા પરેશ ધાનાણી, પુર્વ કેન્દ્રીય મંત્રીઓ ભરતસિંહ સોલંકી અને તુષાર ચૌધરી જેવા ધુરંધરોની હાર થઇ છે. ભાજપની જીતના અને કોંગ્રેસના કારમા પરાજયના અનેક કારણો હોઇ શકે. વિધાનસભાની ચુંટણી હવે ર૦રર માં છે. તે પુર્વે ર૦ર૦ના ઉતરાર્ધમાં તાલુકા જિલ્લા પંચાયતોની ચુંટણી આવી રહી છે. સ્થાનીક સ્વરાજયની ચુંટણીઓ પુર્વેનો આ ભવ્ય વિજય ભાજપ માટે હરખનો અવસર છે અને કોંગ્રેસ માટે આત્મંમંથનનો  વિષય છે.

(11:53 am IST)