ગુજરાત
News of Friday, 24th May 2019

જો ચાર વિધાનસભ્યો લોકસભાના સભ્ય રહેવાનું પસંદ કરશે તો

લોકસભાની ચૂંટણીના પરિણામના કારણે ગુજરાતમાં ચાર વિધાનસભાની પેટાચૂંટણી યોજવામાં આવશે

ગુજરાતમાં બીજેપીના ૪ વિધાનસભ્યો લોકસભાની ચૂંટણી જીતી જતાં ખાલી પડનારી વિધાનસભાની ૪ બેઠકો પર પેટાચૂંટણી કરવી પડશે : ગુજરાતમાં લોકસભાની ચૂંટણી લડનાર બીજેપીના તમામ ૪ વિધાનસભ્યો જીત્યા, કોંગ્રેસના તમામ ૮ વિધાનસભ્યો હારી ગયા

અમદાવાદ તા. ૨૪ : લોકસભાની ચૂંટણીના રિઝલ્ટના કારણે ગુજરાતમાં ૪ વિધાનસભાની પેટા ચૂંટણી યોજાશે. ગુજરાતમાં બીજેપીના ૪ વિધાનસભ્યો લોકસભાની ચૂંટણી જીતી જતા જો આ ચાર વિધાનસભ્યો લોકસભાના સભ્ય રહેવાનું પસંદ કરશે તો ખાલી પડનારી ૪ વિધાનસભાની બેઠકની પેટા ચૂંટણી કરવી પડશે. આ લોકસભાની ચૂંટણી લડનારા બીજેપીના તમામ ચાર વિધાનસભ્યો જીત્યા છે. જ્યારે કોંગ્રેસના તમામ ૮ વિધાનસભ્યો હારી ગયા છે.

આ વખતે લોકસભાની ચૂંટણીમાં બીજેપીએ ગુજરાતના પ્રધાન અને થરાદ વિધાનસભાના વિધાનસભ્ય પરબત પટેલ બનાસકાંઠા લોકસભા બેઠક પરથી જીત્યા છે. આ જ રીતે લુણાવાડા વિધાનસભાના વિધાનસભ્ય રતનસિંહ રાઠોડ પંચમહાલ લોકસભા બેઠક પરથી, ખેરાલુના વિધાનસભ્ય ભરતસિંહ ડાભી પાટણ લોકસભા બેઠક પરથી અને અમરાઇવાડી વિધાનસભાના વિધાનસભ્ય હસમુખ પટેલ અમદાવાદ - પૂર્વ લોકસભા બેઠક પરથી વિજયી બન્યા છે.

બીજી તરફ ગુજરાત વિધાનસભાના વિરોધ પક્ષના નેતા અને કોંગ્રેસના વિધાનસભ્ય પરેશ ધાનાણી સહિત કોંગ્રેસના વિધાનસભ્યો લલિત કગથરા, લલિત વસોયા, પૂંજા વંશ, જીતુ ચૌધરી, સી.જે.ચાવડા, સોમા પટેલ અને રાજેન્દ્રસિંહ ઠાકોરને લોકસભાની ચૂંટણીમાં હારનો સામનો કરવો પડયો છે.

ગુજરાતમાં બીજેપીના પ્રધાન પરબત પટેલ સહિત ૪ વિધાનસભ્ય લોકસભાની ચૂંટણી જીતી જતાં હવે જો આ ચાર વિધાનસભ્યો લોકસભાના સભ્ય રહેવાનું પસંદ કરશે તો ગુજરાતમાં આવનારા સમયમાં થરાદ, લુણાવાડા, ખેરાલુ અને અમરાઇવાડી વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણી યોજાશે.

(10:31 am IST)