ગુજરાત
News of Friday, 24th May 2019

થરાદમાં આંગડિયાના 90 લાખ લૂંટવાનો પ્લાન નિષ્ફળ: રાજસ્થાનની ગેંગના 4 શખ્સ ઝડપાયા

થરાદ પોલીસે બાતમીના આધારે થરાદ માર્કેટયાર્ડ પાસે નાકાબંધી સમયે શહેરની વી.પી.આંગડીયા પેઢી તથા બ્રહ્માણી ઓટો ફાયનાન્સના કર્મચારીઓને લુંટી લેવાના ઇરાદે આવેલ રાજસ્થાનની ગેંગને તીક્ષ્ણ હથીયારો સાથે ઝડપી લઇ 90 લાખ લૂંટવાનો પ્લાન નિષ્ફળ બનાવ્યો હતો.

    બનાસકાંઠા પોલીસ અધિક્ષક પ્રદીપ શેજુળ જીલ્લામાં મિલ્કત સબંધી ગુનાઓ બનતા અટકાવવા સૂચના કરતાં થરાદના મદદનીશ પોલીસ અધિક્ષક અજીત રાજયાણની સુચના હેઠળ થરાદ પો.ઇન્સ.જે.બી.આચાર્ય પો.સ.ઇ કે.કે.રાઠોડ, પો.સબ.ઇન્સ. એલ.પી. રાણા તથા પો.સબ.ઇન્સ. કે.જી. પરમાર અને એ.એસ.આઇ કાનજીભાઇ, હેઙ.કો.અશોકભાઇ હે. કોન્સ જયેશભાઇ ,વિક્રમભાઇ, પો.કો.મનુભાઇ, પો.કો.ભરતભાઇ,પો.કો.દાનાભાઇ તથા પો.કો. દશરથભાઇ હીરાભાઇને લુંટ કરવાના ઇરાદે રાજસ્થાનથી ગેંગ આવી હોવાનીબાતમી મળી હતી.

  જેના આધારે થરાદ માર્કેટયાર્ડ પાસે નાકાબંધી સમયે સ્વિફ્ટ ગાડી નંબર- GJ-06-HS-7612 સાથે લક્ષ્મણભાઇ કરશનભાઇ પટેલ (રહે. ભાચર તા.થરાદ,)ઇશ્વરભાઇ કરશનભાઇ ચૌધરી (રહે. ફાંગડી તા.વાવ) સ્વરૂપસીંગ સબળસીંગ રાજપુત (રહે. મહાબાડ તા.જી. બાડમેર)તથા દિલીપસિંહ સંભુસીંગ રાજપુર (રહે. બડોડા તા.જી. જેસલમેર) લોખંડની તલવાર, લોખંડના બે છરા તથા લોખંડની પાઇપ તથા ધોકાઓ જેવા તીક્ષ્ણ હથીયાર સાથે શંકાસ્પદ હાલતમાં મળી આવ્યા હતા.

   પોલીસે તેમની પુછપરછ કરતા તેઓએ વી.પી.આંગડીયા પેઢી તથા બ્રહ્માણી ઓટો ફાયનાન્સના કર્મચારીને લુંટવાનો પ્લાન ઘડ્યો હોવાની કબુલાત કરી હતી. વેપારીઓ પોતાની આઈ20 ગાડી નંબર- GJ-08-BH-8898માં રોકડ રકમ તથા કીમતી સામાન સાથે જતા હોય જેઓને લુવાણાથી રાંટીલા વચ્ચે રસ્તામાં માર મારી લુંટી લેવા માટે સ્વિફ્ટ ગાડી નંબર- GJ-06-SH-7612, બોલેરો ગાડી નંબર- RJ-04-TA-3706 તથા બોલેરો પીક અપ નંબર- RJ-19-GF-1963 જેવી અલગ અલગ ગાડીઓમાં તીક્ષ્ણ હથીયારો સાથે આવેલ હોવાનું કબુલ્યું હતું. વધુમાં આ અગાઉ પણ તેમણે વોચ ગોઠવી રેકી કરેલ હોવાનુ પણ જણાવ્યું હતું.

  જોકે, તેમની સાથે બોલેરો ગાડી તથા બોલેરો પીકઅપમાં આવેલ શંભુસીંગ અનોપસીંગ રાજપુત રહે મયાદલા તા.જી. જેસલમેર, ઇન્દુરામ મેઘવાળ રહે. પિત્તળપુરા મહાબાડ તા.જી.બાડમેર તથા ઇન્દ્રસીંગ રામસીંગ રાજપુત મુળ રહે. ચાડાર હાલ રહે. પાલડી તા.દિયોદર તેમજ અન્ય બે અજાણ્યા ઇસમો પોલીસ નાકાબંધી જોઇ ફરાર થઇ જતા તમામ ઇસમો વિરૂધ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

(11:55 am IST)