ગુજરાત
News of Thursday, 24th May 2018

વલસાડથી મુંબઇ જતી પેટ્રોલિયમ ગેસ ભરેલુ માલગાડીનું ટેન્કર પાટા પરથી ઉતરી પડતા રેલવે તંત્રમાં દોડધામઃ ગતિ નિયંત્રણ હોવાથી મોટી દુર્ઘટના ટળી

વલસાડઃ વલસાડ રેલવે સ્ટેશન પર ગઇકાલે રાતે એક માલગાડીનું ટેન્કર પાટા પરથી ઉતરી પડતા રેલવે તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. આ માલગાડી વલસાડથી મુંબઇ જતી હતી. માલગાડીના ઉતરી ગયેલા ટેન્કરમાં પેટ્રોલિયમ ગેસ ભરેલો હતો.

આ અકસ્માતની જાણ થતાં રેલવેની ટીમ તરત દોડી આવી અને કલાકોની જહેમત બાદ ટ્રેક પરથી ટેન્કર દૂર કર્યું હતું.

ટ્રેનની ગતિ નિયંત્રણમાં હોવાથી મોટી દુર્ઘટના થતા રહી ગઈ હતી. એક માસમાં એક જ જગ્યાએ બીજો બનાવ સામે આવ્યો છે. સદનસીબે આ અસક્માતમાં કોઇ જાનહાનિ થઇ નથી. આ દુર્ઘટનાની જાણ થતા રેલવે કર્મચારીઓ ઘટનાસ્થળે પહોચી ગયા હતા અને આ અકસ્માત કઇ રીતે સર્જાયો તેની તપાસમાં લાગ્યા હતાં.

આ અકસ્માતને પગલે કલાકો સુધી રેવલે વ્યવહાર ખોરવાઈ ગયો હતો. જોકે યાર્ડ લાઇનમાં હોવાના કારણે મેઇન ટ્રેક ડિસ્ટર્બ થયો ન હતો.

મેઇન ટ્રેકના સપોર્ટમાં મુકવામાં આવેલ પાટા ઉપર ત્રણથી ચાર જેટલા ફેકચર જોવા મળ્યા હતા. તપાસ કરતા તે સપોર્ટ ટ્રેક હોવાથી એના લીધે માલગાડી પાટા ઉપરથી ઉતરી ગયા હોય તેવી પ્રાથમિક તપાસમાં જાણ થઇ છે.

(7:52 pm IST)