ગુજરાત
News of Thursday, 24th May 2018

ગાંધીનગરમાં દસ હજારની લાંચ લેવામાં સબ એડિટરની ધરપકડ

ગાંધીનગર:જિલ્લામાં સરકારી કર્મચારીઓમાં લાંચ લેવાની પ્રવૃતિ વધી છે ત્યારે ગાંધીનગર જિલ્લા લોકલ ફંડ કચેરીના સબ ઓડીટરને સે-ર૮ના બગીચા પાસેથી ગાંધીનગર એસીબી ટીમે તલાટી સામે ઓડીટમાં કોઈ નોંધ નહીં કરવા માટે દસ હજાર રૂપિયાની લાંચ લેતા રંગેહાથ ઝડપી લીધા હતા. તેમની સામે એસીબીમાં ગુનો નોંધાવી વધુ તપાસ શરૂ કરી હતી. જેના પગલે જિલ્લામાં અન્ય સરકારી કર્મચારીઓમાં પણ ફફડાટ ફેલાયો છે.   
રાજયમાં સરકારી કચેરીઓમાં કામ અર્થે જતાં કોઈપણ અરજદારને અધિકારી કે કર્મચારીને આર્થિક વ્યવહાર કરવો પડતો હોય છે. લાંચની આ વધેલી પ્રવૃતિના કારણે લાંચ રૂશ્વત વિરોધી દળ દ્વારા અવારનવાર આવા લાંચિયા અધિકારી કર્મચારીઓને પકડવા માટે દોડધામ કરવામાં આવતી હોય છે.

ત્યારે ગાંધીનગર જિલ્લા લોકલ ફંડની કચેરીમાં સબ ઓડીટર તરીકે ફરજ બજાવતાં ભરતકુમાર ત્રિકમલાલ પટેલે ગ્રામ પંચાયતમાં ઓડીટ કરવા માટે જવાનું હતુ ત્યા ફરજ મોકુફ રહેલા તલાટી પાસે ઓડીટમાં કોઈ નોંધ નહીં લખવા બાબતે રપ હજાર રૂપિયાની લાંચની માંગણી કરી હતી. છેવટે દસ હજાર રૂપિયામાં મામલો નક્કી થયો હતો.

(6:03 pm IST)