ગુજરાત
News of Thursday, 24th May 2018

નવસારીમાં એન.આઈ.આરની જમીનના બોગસ દસ્તાવેજ બનાવી છેતરપિંડી આચરનાર ત્રણ શખ્સોની ધરપકડ

નવસારી:વિજયા બેંકમાંથી ત્રણ વર્ષ અગાઉ એન.આર.આઈ.ની જમીનનાં બોગસ દસ્તાવેજ બનાવી રૂ. ૧૦ લાખની કૃષિલોન લઈ છેતરપીંડી કરવાના કેસમાં એલસીબી પોલીસે મરોલી બજારનાં ૨ અને જમાલપોરનાં ૧ મળી ત્રણ શખ્સોની ધરપકડ કરી છે. જ્યારે એકને વોન્ટેડ જાહેર કર્યો છે.
ચીખલી તાલુકાનાં રૂમલા ગામે પટેલ સ્ટ્રીટમાં રહેતા ધીરૂભાઈ લક્ષ્મણભાઈ પટેલ અને ભરતભાઈ લક્ષ્મણભાઈ પટેલની ખેતીની જમીન (ખાતા નં.૮૩૧, રે.સ.નં. ૩૪૭, અને ૩૩૭) આવેલી છે. આ જમીનનાં માલિક વર્ષોથી વિદેશમાં વસવાટ કરે છે. જેની જાણકારી મેળવી આરોપી કલ્પેશ મહારાજ (રહે-પરથાણ, તા.નવસારી) એ તેમની જમીનના ૭/૧૨ નાં ઉતારા-દાખલા મેળવી સાગરિત પૂર્વેશ પ્રફુલ્લભાઈ પટેલ (ઉ.વ.૩૫, રહે-પ્રમુખપાર્ક સોસાયટી, જમાલપોર) સાથે મળીને એક પ્લાન બનાવ્યો હતો. અને ત્રણ વર્ષ અગાઉ જમીનનાં મૂળ માલિકો મિલકતનાં બોગસ દસ્તાવેજ બનાવી, આરોપીઓએ પોતાના અન્ય બે સાગરિતો ભરત નાગરભાઈ પટેલ (ઉ.વ.૪૫, રહે.પંચકુટી, જગદીશ સોસાયટી, રણછોડરાય મંદિર સામે, છીણમ રોડ, મરોલી બજાર) અને યોગેશ વિનોદરાય દેસાઈ (ઉ.વ.૫૧, રહે-પંચકુટી જગદીશ સોસાયટી, રણછોડરાય મંદિર સામે, મરોલી બજાર) ને મૂળ જમીનનાં માલિક તરીકે નવસારીની વિજયા બેંકમાં રજુ કર્યા હતા. અને તેમની જમીનને બેંકમાં ગિરવે મુકી રૂ. ૧૦ લાખની લોન લીધી હતી.

(6:03 pm IST)