ગુજરાત
News of Thursday, 24th May 2018

બોરસદ-ધર્મજ રોડ પર ત્રણને દંડાથી માર મારી 1.35 લાખના ઘરેણાં ગઠિયાએ તફડાવ્યા

બોરસદ:બોરસદ-ધર્મજ રોડ ઉપર આવેલી પી. ચન્દ્ર સ્કુલ પાસેના રોડ ઉપર એક ઝાડ નીચે ઝુંપડુ બાંધીને રહેતા મુળ ભાવનગરના પરિવારના ત્રણ સભ્યોને ગત ૨૧મી તારીખના રોજ મધ્યરાત્રીના સુમારે ત્રાટકેલા ત્રણ જેટલા અજાણ્યા શખ્સો દ્વારા લાકડાના ડંડાથી માર મારીને અર્ધ-બેભાન કરી દઈને ૧.૩૫ લાખના સોના-ચાંદીના ઘરેણાંની લૂંટ કરીને ફરાર થઈ જતાં ચકચાર મચી જવા પામી છે. ઘવાયેલા ત્રણેયને સારવાર માટે બોરસદની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.
પ્રાપ્ત વિગતો અનુસાર ભાવનગર જિલ્લાના અધેવાળ ગામે રહેતા ફરિયાદી જયાબેન પતિ રમેશભાઈ થુનજીભાઈ માથાસુલીયા તથા મામાના દીકરા રણજીત સાથે ત્રણેક મહિનાથી બોરસદ-ધર્મજ રોડ ઉપર આવેલી પી. ચન્દ્ર સ્કુલની પાસેના રોડ પરના ઝાડ નીચે ઝુંપડુ બાંધીને રહે છે અને ઘેટાં-બકરાં વેચવાનો ધંધો કરે છે. ગત ૨૧મી તારીખના રોજ રાત્રીના સુમારે તેઓ જમીને સુઈ ગયા હતા. ત્યારે એકથી બે વાગ્યાની વચ્ચે ત્રણેક જેટલા શખ્સો હાથમાં લાકડાના ડંડા લઈને ત્રાટક્યા હતા અને બહાર ખાટલામાં સુતેલા રણજીતભાઈને પહેલા હાથના ભાગે લાકડાનો ડંડો મારી દીધો હતો ત્યારબાદ માથામાં મારતાં તેણે બૂમાબૂમ કરી હતી જેથી પતિ-પત્ની જાગી ગયા હતા અને ઝુંપડામાંથી બહાર નીકળ્યા હતા. દરમ્યાન ત્રણેય શખ્સો તેમના પર તૂટી પડ્યા હતા અને રમેશભાઈને માથામાં ડંડો મારી દેતાં તેઓ અર્ધબેભાન થઈ ગયા હતા.

(5:59 pm IST)