ગુજરાત
News of Thursday, 24th May 2018

જુગારના આરોપીને હક્કથી વંચીત રખાતા મેજીસ્ટ્રેટે ફોજદારનો માંગ્યો લેખિત ખુલાસો

પોલીસ સ્ટેશનથી છોડવાના બદલે કોર્ટમાં રજુ કરતા પીએસઆઇને ખખડાવ્યા

અમદાવાદ તા. ૨૪ : જુગારના કેસમાં આરોપીને કોર્ટમાં રજૂ કરનાર ખાડિયા પોલીસના પીએસઆઇનો કોર્ટે ઊધડો લીધો હતો. એડિ.ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ એ.કે.ભટ્ટે પીએસઆઇને કહ્યું હતું કે, જામીનલાયક ગુનામાં આરોપીને જામીન ઉપર છૂટવાના હકથી કેમ વંચિત રાખ્યો છે. તમને કારણદર્શક નોટિસ આપવામાં આવે છે. અને તે અંગેનો લેખિત ખુલાસો ત્વરિત કરવો અને જો નહીં કરો તો તમારી સામે આગળની કાર્યવાહી કરવામાં આવશે.

ખાડિયા પોલીસ સ્ટેશનના પીએસઆઇ જે.ડી.પંડ્યાએ જુગારધારાની કલમ ૪, ૫ મુજબ આરોપી મોન્ટુ ગાંધીની અટક કરી મેટ્રો કોર્ટમાં રજૂ કર્યો હતો. આક્ષેપિત ગુનો જામીન લાયક હોવાથી સીઆરપીસીની કલમ ૫૦ મુજબ તપાસ અધિકારીએ આરોપીને જામીન લાયક ગુનામાં જામીન ઉપર છૂટવાના હકની જાણ કરી હતી કે કેમ , તેવો સવાલ મેજિસ્ટ્રેટે આરોપીને પૂછયો હતો. જે અંગે આરોપીએ કોર્ટને કહેલું કે, તપાસ અધિકારીએ આ અંગે કોઇ જાણ કરી નથી. અન્ય આરોપીઓને કોર્ટમાં રજૂ રાખેલા જેથી તને પણ કોર્ટમાં રજૂ કરવો પડશે તેવું જણાવેલું.

આરોપીનો જવાબ સાંભળી કોર્ટે પીએસઆઇને કહેલું કે, સીઆરપીસીની કલમ ૫૦ માં પકડાયેલી વ્યકિતને ધરપકડના કારણોની અને જામીન ઉપર છૂટવાના હકની જાણ કરવી જરૂરી છે. આરોપી ઉપર બિનજામીન ગુનાનો આરોપ ના હોય તે વ્યકિતને પોલીસ અધિકારી વગર વોરંટે પકડે ત્યારે તે જામીન ઉપર છૂટવા હકદાર છે. તે અંગે અને તેના વતી જામીન વ્યવસ્થા પોતે કરી શકશે તે બાબતની જાણ કરવી જોઇએ. આવી કાયદાકીય જોગવાઇ હોવા છતાં આ કેસમાં તમે જામીન લાયક ગુનામાં આરોપીની અટક કરેલી છે. (૨૧.૧૬)

(1:53 pm IST)