ગુજરાત
News of Saturday, 24th April 2021

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીનો કોરોના સંક્રમણની સ્થિતિમાં રાજયના વાહન ચાલકો માટે મહત્વનો નિર્ણય

પૂરતા દસ્તાવેજ સાથે ન હોય તેવા વાહન ચાલકો પાસેથી ઉચ્ચક દંડ વસૂલ કરાશે:ટુ વ્હીલર અને થ્રી વ્હીલર માટે ૫૦૦ અને ફોર વ્હીલર વાહનો માટે.૧૦૦૦ વસૂલ કરાશે: આર.ટી.ઓ.ના નિયમ અનુસાર આવા ગુન્હામાં જપ્ત થતા વાહનો છોડાવવાની પ્રક્રિયામાં જતો લાંબો સમય નિવારવા મુખ્યમંત્રીનો અભિગમ

અમદાવાદ :મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ પ્રવર્તમાન કોરોના સંક્રમણના સંજોગોમાં રાજયમાં પોલીસ તંત્ર દ્વારા  એન્ફોર્સમેન્ટ, સર્વેલન્સ અન્વયે પકડવામાં આવતા વાહનો માટે ઉચ્ચક દંડ વસૂલ કરવાની સૂચનાઓ આપી છે.

આ સંદર્ભમાં મુખ્યમંત્રીરીએ જણાવ્યું છે કે, હાલ કોરોનાની વિશ્વવ્યાપી મહામારીમાં ફરજિયાત માસ્ક પહેરવા અંગે અને તેના સઘન અમલ માટે પોલીસ તંત્ર દ્વારા ઝૂંબેશ – સર્વેલન્સ મોટા પાયે હાથ ધરાઇ રહી છે.
મુખ્યમંત્રી સમક્ષ એવી વ્યાપક રજૂઆતો આવી હતી કે, કોરોના સમયમાં પોતાના સગા સંબંધીઓને સારવાર માટે લાવવા-લઇ જવા ઘણીવાર ટુ વ્હીલર અને થ્રી વ્હીલર તેમજ ફોર વ્હીલર લઇને જતા-આવતા નાગરિકો પાસે પોતાના વાહનોના દસ્તાવેજો પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ હોતા નથી.
  આવા સંજોગોમાં આર.ટી.ઓ.ના નિયમ અનુસાર આવા વાહન ચાલકોના વાહનો જપ્ત કરવામાં આવે છે અને તેને છોડાવવાની પ્રક્રિયામાં લાંબો સમય જાય છે.  
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ આ રજૂઆતોનો સંવેદનાપૂર્ણ પ્રતિસાદ આપતાં એવો નિર્ણય કર્યો છે કે હવે આવા વાહનો માટે ઉચ્ચક દંડ વસૂલ કરવામાં આવશે.  
તદૃનુસાર ટુ વ્હીલર અને થ્રી વ્હીલર વાહનો માટે રૂ. ૫૦૦ અને ફોર વ્હીલર વાહનો માટે રૂ. ૧૦૦૦ નો ઉચ્ચક દંડ વસૂલ કરાશે  
મુખ્યમંત્રીએ કોરોના સંક્રમણ દરમિયાન પોતાના સગા-સંબંધીઓની સારવાર સેવા માટે અવર-જવર કરતા વાહન ચાલકોને આ નિર્ણય દ્વારા મોટી રાહત આપી છે.
એટલું જ નહીં હવેથી આવા વાહનો માટેના જરૂરી દસ્તાવેજો ૧૫ દિવસમાં રજૂ કરી શકાશે તેમ પણ જણાવ્યું છે.
  રાજયના વાહન વ્યવહાર વિભાગે આ અંગેનું જાહેરનામું બહાર પાડયું છે જે મુજબ રાજયમાં પોલીસ અધિકારીઓ કોવિડ-૧૯ સંક્રમણ નિયંત્રણના કડક પગલાંઓ રૂપે મોટર વ્હીકલ એકટ-૧૯૮૮ અન્વયે ડીટેઇન કરાયેલા વાહનો માટે આ ઉચ્ચક દંડ વસૂલ કરી શકશે. 

(9:49 pm IST)