ગુજરાત
News of Saturday, 24th April 2021

બાળકને જન્મ આપ્યા બાદ કોરોનાગ્રસ્ત માતાનું મોત

બનાસકાંઠાનો પરિવાર વિખેરાયો : લગ્નના બે વર્ષ બાદ જ ખુશીઓથી ભરેલ આ પરિવારને જાણે કોઈની નજર લાગી હોય તેમ કોરોનાનું ગ્રહણ લાગ્યું

બનાસકાંઠા,તા.૨૪ :  બનાસકાંઠામાં ધનિયાવાડા ગામની ૨૪ વર્ષીય યુવતીને કોરોના ભરખી જતાં પરિવારમાં માતમ જેવી સ્થિતિ સર્જાઈ છે. કોરોનાગ્રસ્ત યુવતીનું ડિલિવરી દરમિયાન કરૂણ મોત થયું હતું .જ્યારે બાળકની તબિયત નાજુક હોવાથી પાટણની ધારપુર હૉસ્પિટલ ખાતે સારવાર ચાલી રહી છે. બનાસકાંઠા જિલ્લામાં પણ અત્યાર સુધી અનેક લોકોને કાળમુખો કોરોના ભરખી ગયો છે.

જેમાં દાંતીવાડાના ધનિયાવાડા ગામની એક યુવતીનો પણ સમાવેશ થાય છે. ધનિયાવાડા ખાતે રહેતા સરોજબેનના લગ્ન બે વર્ષ પૂર્વે સમાજના રીતરિવાજ મુજબ રાજસ્થાનના હડમતીયા ગામે રહેતા ક્રિપાલસિંહ દેવડા સાથે થયા હતા,  સરોજબેન નાનપણથી જ હસમુખા અને મળતાવડા સ્વભાવના હોવાથી લગ્ન બાદ સાસરીમાં પણ તેઓ સૌના પ્રિય બની ગયા હતા. તેમનું દામ્પત્ય જીવન ખુબ જ સરસ રીતે ચાલી રહ્યું હતું. તે દરમિયાન તેમને સીમંત બાદ પિયર તેડી લાવ્યા હતા.

જોકે, કુદરતને આ મંજૂર ન હોય તેમ પુરા માસે સરોજબેન કોરોના સંક્રમિત થતા ડીસાની ખાનગી હૉસ્પિટલમાં સારવાર માટે લાવ્યા હતા. તેમની તબિયત વધુ બગડતા તેઓને પાટણની ધારપુર મેડિકલ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા.

અત્યારે બાળકની તબિયત નાજુક હોવાથી તેની સારવાર ચાલી રહી છે, તો બીજી તરફ લગ્નના બે વર્ષ બાદ જ ખુશીઓથી ભરેલ આ પરિવારને જાણે કોઈની નજર લાગી હોય તેમ કોરોનાનું ગ્રહણ લાગ્યું અને  કુદરતને પણ આ મંજૂર ના હોય તેમ આ જોડી ખંડિત થઈ ગઈ છે. સૌના પ્રિયા અને હંમેશા હસતા અને હસાવતા સરોજબેનના મોતથી પરિવારમાં માતમ જેવો માહોલ છવાયો છે.

(9:14 pm IST)