ગુજરાત
News of Saturday, 24th April 2021

મર્સિડીઝમાં બેસી સીજી રોડ પર સોદા પાડતો શખ્સ ઝડપાયો

અમદાવાદમાં ડબ્બા ટ્રેડિંગ ભારે પડ્યું ! : પોલીસે મર્સિડીઝ કારમાં શેરબજારનું ડબ્બા ટ્રેડિંગ કરતા શખ્સની ૩૦.૩૦ લાખના મુદ્દામાલ સાથે ધરપકડ કરી

અમદાવાદ,તા.૨૪ : પોલીસથી બચીને ગેરકાયદે પ્રવૃત્તિ કરવા લોકો અવનવા કિમીયા અપનાવતા હોય છે. આવો એક કિસ્સો નવરંગપુરા માં સામે આવ્યો છે. નવરંગપુરા પોલીસે બાતમીના આધારે મર્સિડીઝ કારમાં શેરબજારનું ડબ્બા ટ્રેડિંગ કરતા શખસ ની ૩૦.૩૦ લાખના મુદ્દામાલ સાથે ધરપકડ કરી છેક્રિકેટ સટ્ટાની સાથે સાથે શેરબજાર ના ડબ્બા ટ્રેડિંગનો પણ કાળો કારોબાર ખૂબ ચાલી રહ્યો છે. અનેક એવા કિસ્સા સામે આવ્યા હતા જેમાં પોલીસના આશિર્વાદથી મોટી માછલીઓ બચી જતી હતી જયારે નાની માછલીઓ પર પોલીસ જાળ બિછાવતી હતી. ત્યારે નવરંગપુરા પોલીસે આવા ડબ્બા ટ્રેડિંગ કરતા એક શખ્શની ધરપકડ કરી છે.

નવરંગપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં જુગારની અસામાજિક પ્રવૃત્તિ નાબૂદ કરવા પોલીસ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન સી.જી રોડ ગીરીશ કોલ્ડડ્રિંક ચાર રસ્તા પાસે પોલીસને બાતમી મળી હતી કે એક વ્યક્તિ મર્સિડીઝ ગાડી માં બેસી શેરબજારનો ડબ્બા ટ્રેડિંગનો સટ્ટો રમે છે અને રમાડે પણ છે. જેથી બાતમી આધારે પોલીસ તે જગ્યા ઉપર પહોંચી હતી. ત્યારે રોડ ઉપર સાઈડમાં પાર્ક કરેલી મર્સિડિઝ ગાડી તેઓને જણાઈ આવી હતી.

અને કારમાં બેઠેલો વ્યક્તિ કંઈક ગેરકાયદે પ્રવૃત્તિ કરતો હોવાનું જણાયું હતું. જેથી ગાડીમાં બેઠેલા વ્યક્તિ જૈનિક નરેશભાઇ શાહ ને પોલીસની ઓળખ આપી શેરના ડબ્બા ટ્રેડિંગની રેડ હોવાનું જણાવતાં પોલીસે તેની પાસે રહેલ મોબાઈલ ફોન કબ્જે કર્યો હતો. પોલીસે મોબાઈલ ફોન તપાસતા તેમાં મેટાટ્રેડ સોફ્ટવેરમાં શેરોન લાઈવ સિક્યુરિટી ની અંદર શેરબજારના બેંક નિફ્ટીના ૨૫ શેર ઉપર ૩૨ હજારની રકમનો શેરના ડબ્બા ટ્રેડિંગનો સટ્ટો રમતો હોવાનું જણાયું હતું.

જેથી બાબતે તેની પૂછપરછ કરવામાં આવી હતી. ત્યારે તેની પાસે શેરબજારનું કોઈ લાઇસન્સ કે પરમિટ હોવાનું સામે આવ્યું હતું. સરકારના ટેક્સના નાણાં ભરવા પડે તે સારું કોમોડિટી એક્સચેન્જ અને સ્ટોક એક્સચેન્જ મારફતે આપવામાં આવતા લાયસન્સ વગર ગેરકાયદે શખ્સ ડબ્બા ટ્રેફિંગ કરતો હોવાનું સામે આવતા પોલીસે તેની ગાડી અને મોબાઈલ ફોન સહિત ૩૦ લાખ ૩૦ હજારનો મુદ્દામાલ કબજે કરી આરોપીની ધરપકડ કરી હતી.

(7:27 pm IST)