ગુજરાત
News of Saturday, 24th April 2021

અમદાવાદના રામોલ પોલીસ સ્ટેશનના પીઆઇ કૃતાર્થ દવેની આગેવાનીમાં અનોખો અભિગમઃ પોલીસ સ્ટેશનમાં જ ઓક્સિજન સહિતની સુવિધા સાથે ૭ બેડની હોસ્પિટલ કાર્યરત

અમદાવાદ: ગુજરાતમાં કોરોના કાળમાં ખુબ જ કફોડી સ્થિતી થઇ છે. ખાસ કરીને અમદાવાદમાં કોરોનામાં જો ગંભીર સ્થિતિ હોય તો દાખલ થવા માટે દર દર ભટકવું પડી રહ્યું છે. કેટલાક કિસ્સામાં બેડ નહી મળવાને કારણે અનેક લોકોનાં મોત પણ નિપજ્યાં છે. તેવામાં હવે ફ્રન્ટ લાઇન વોરિયર તરીકે કામગીરી કરનાર ગુજરાત પોલીસ જો સંક્રમિત થાય અને તેને યોગ્ય સારવાર ન મળે તો શું?

હાલ સરકાર ભરોસે રહીને પોલીસ વિભાગ ખડે પગે ડ્યુટી કરી રહ્યુ છે. પરંતુ જો બેડ ન મળે તેવી સ્થિતીમાં શું કરવું તેને ધ્યાને રાખીને રામોલ પોલીસ દ્વારા અનોખો અભિગમ અપનાવવામાં આવ્યો છે. રામોલ પોલીસ દ્વારા પોલીસ સ્ટેશનમાં જ 7 બેડની પોતાની જ હોસ્પિટલ શરૂ કરી દેવામાં આવી છે. જેમાં જો પોતાના સ્ટાફનો કોઇ વ્યક્તિ સંક્રમિત થાય તો દવાથી માંડીને ઓક્સિજન સુધીની તમામ વ્યવસ્થા કરવામાં આવી છે.

અત્રે નોંધનીય છે કે, હોમ ક્વોરન્ટાઇન થવાની સ્થિતીમાં પણ પોલીસ સ્ટાફ ક્વાટર્સ એટલા મોટા નથી હોતા કે કોઇ એક વ્યક્તિ એક રૂમમાં હોમ ક્વરન્ટાઇન થઇ શકે તેવામાં તમામ વ્યવસ્થા પોલીસ સ્ટેશનમાં જ કરવામાં આવી છે. જેથી જો કોઇ પણ કર્મચારી કોરોના પોઝિટિવ આવે તો તેને પોલીસ સ્ટેશનમાં જ હોમ ક્વોરન્ટાઇન કરી શકાય. તેની તમામ વ્યવસ્થા જાળવી શકાય. જેથી હવે પોલીસ વિભાગ દ્વારા પણ સરકારનાં ભરોસે રહેવાનાં બદલે પોતે જ પોતાની વ્યવસ્થા કરીને આત્મનિર્ભર બન્યું છે.  રામોલ પોલીસ ઇન્સ્પેક્ટર  કૃતાર્થભાઈ દવેની આગેવાનીમાં સ્ટાફ દ્વારા કામગીરી કરવામાં આવી છે.

(4:44 pm IST)