ગુજરાત
News of Saturday, 24th April 2021

ગાંધીનગર હેલિપેડ નજીક 1200 બેડની કોવિડ હોસ્પિટલ તૈયાર કરાશે : ગૃહમંત્રી અમિતભાઇ શાહની મોટી જાહેરાત

બે દિવસમાં ટોલ ફ્રી નંબર જાહેર કરાશે; લોકોને મેડિકલ કન્સલટન્સી માટે મદદ મળશે

અમદાવાદ : કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ  શાહે આજે અમદાવાદમાં આવી પહોંચ્યા હતા. તેઓએ રાજયની કોરોનાની સ્થિતિને લઈ સમીક્ષા કરી હતી. અમિત શાહે GMDC ગ્રાઉન્ડ ખાતે DRDO દ્વારા ઉભી કરવામાં આવેલી 900 બેડની ધનવતરી કોવિડ હોસ્પિટલની નિરિક્ષણ કર્યું હતું. ત્યારબાદ તેઓએ જણાવ્યું હતુ કે, ગાંધીનગર હેલિપેડની બાજુમાં 1200 બેડની કોવિડ હોસ્પિટલ તૈયાર કરવામાં આવશે. બે દિવસમાં ટોલ ફ્રી નંબર જાહેર કરાશે. જેનાથી લોકોને મેડિકલ કન્સલટન્સી માટે મદદ મળશે. તેમણે વધુમાં કહ્યું કે, કેન્દ્ર સરકાર પૂરતી મદદ આપવા માટે તૈયાર છે.

અમદાવાદમાં કોરોનાના કેસો સતત વધતા જોવા મળી રહ્યા છે. વધી રહેલા કેસને લઈ શહેરની સરકારી અને પ્રાઈવેટ હોસ્પિટલો પણ ફુલ થઈ ગઈ છે. જેના કારણે કોરોના દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. જેથી સરકાર દ્વારા GMDC ગ્રાઉન્ડમાં 900 બેડની હોસ્પિટલ તૈયાર કરવામાં આવી દીધી છે. જે આવતીકાલથી દર્દીઓ માટે ખુલ્લી મુકવામાં આવશે.

આ હોસ્પિટલમાં તમામ પ્રકારની સુવિધા રાખવામાં આવી છે. જેમાં 150 આઇ.સી.યુ. બેડ હશે, જ્યાં 150 વેન્ટિલેટર્સની વ્યવસ્થા પણ હશે. આ તમામે તમામ 900 બેડ ઓક્સિજનની સુવિધા સાથેનાં હશે. આ ઉપરાંત જો જરુર પડે તો વધુ 500 બેડ વધારી શકાય એવી વ્યવસ્થા પણ રાખવામાં આવી છે.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ  શાહ બે લેબોરેટરી વાન અને 8 એમ્બ્યુલન્સ પણ શરૂ કરાવશે. આ લેબોરેટરીમાં બાયોકેમેસ્ટ્રી એનાલાઈઝર, બ્લડ સેલ કાઉન્ટ, માઈક્રોસ્કોપ અને સેન્ટ્રીફ્યુઝ સહિતની સુવિધાઓ હશે. આ ઉપરાંત ગૃહ મંત્રી અમિતભાઈ  શાહ એક ICU ઓન વહીલ્સ પણ ખુલ્લી મુકશે. ICU ઓન વહીલ્સના વેન્ટિલેટરથી લઈને ઓક્સિજન સહિતની તમામ સુવિધાઓ હશે.

અમિતભાઈ  શાહના મત વિસ્તાર એવા નારણપુરા, ઘાટલોડિયા, સાબરમતી, સાણંદ, બોપલ, ઘુમા, દસક્રોઈ સહિત વિસ્તારમાં લોકોને આરોગ્ય સેવા માટે અતિઆધુનિક ઓન વ્હીલ્સ બે લેબોરેટરી વાન અને 8 એમ્બ્યુલન્સ પણ લોકો માટે ફાળવવામાં આવશે.

(9:09 pm IST)