ગુજરાત
News of Wednesday, 24th April 2019

સરકારી હોસ્પિટલમાં વેન્ટીલેટરના અભાવ મુદ્દે હાઇકોર્ટે સરકાર પાસેથી જવાબ માગ્યો

આ મામલાને સુઓમોટો તરીકે લઈને સુનાવણી હાથ ધરી

અમદાવાદ :રાજ્યની સરકારી હોસ્પિટલમાં વેન્ટીલેટરના અભાવ મામલે હાઇકોર્ટના જજ દ્વારા ચીફ જસ્ટીસને લખવામાં આવેલા પત્ર મામલે હાઈકોર્ટે સ્વયં સંજ્ઞાન લેતા સુઓમોટો પીઆઈએલ માનીને સુનાવણી હાથ ધરાઈ હતી. ત્યારે હાઇકોર્ટે હોસ્પીટલમાં ઉપલબ્ધ સુવિધાઓ અને સાધન મામલે રાજ્ય સરકાર પાસેથી જવાબ માગ્યો હતો.

  સાથે જ હાઈકોર્ટે આશ્ચર્ય વ્યક્ત કરતા કહ્યું કે, હોસ્પિટલમાં વેન્ટિલેટર અને અન્ય મેડિકલ સુવિધાઓનો અભાવ કેવી રીતે હોઈ શકે.? આ સંદર્ભે હાઇકોર્ટમાં રજૂઆત કરતા કોર્ટમિત્રએ જણાવ્યું હતું કે, જરૂરીયાત સામે માત્ર ૫૦% જ વેન્ટિલેટર ઉપલબ્ધ છે તો સાથે જ હોસ્પિટલમાં જેટલા બેડ હોય તેના ૧૦% વેન્ટિલેટર હોવા જોઈએ, જો કે તેવું નથી. ત્યારબાદ હાઇકોર્ટે સિવિલ હોસ્પિટલમાં ઉપલબ્ધ મેડિકલ સુવિધાઓ સામે જેટલી જરૂરીયાત છે એ પ્રમાણે કેટલા સાધનો અને સુવિધા ઉપલબ્ધ છે તેનો સરકાર સમગ્ર રીપોર્ટ રજુ કરવા ૩ મે સુધીનો સમય આપ્યો છે.

  અત્રે ઉલ્લેખનીય છે કે અસારવા સિવિલમાં વેન્ટિલેટરનાં અભાવને કારણે એક મહિલા દર્દી મોત થતા મામલો ગરમાયો હતો. જેને લઈને હાઈકોર્ટે આ મામલાને સુઓમોટો તરીકે લઈને સુનાવણી હાથ ધરી હતી. ત્યારે હાઇકોર્ટ દ્વારા હોસ્પિટલનો વેન્ટીલેટરના મામલે રાજ્ય સરકાર પાસે જવાબ માંગ્યો છે.

(12:56 am IST)