ગુજરાત
News of Wednesday, 24th April 2019

મતદાનની વધેલી ટકાવારીથી કોંગ્રેસને ફાયદો : મનિષ દોશી

કોંગ્રેસના ઉમેદવારોમાં પણ જીતની આશા-જુસ્સો : ખેડૂત વિરોધી-યુવા વિરોધી ભાજપની નીતિ સામે મતદાન થયું છે જેથી ચૂંટણીમાં કોંગ્રેસને ખુબ મોટો ફાયદો : મનિષ દોશી

અમદાવાદ,તા. ૨૪ : ગુજરાતમાં લોકસભાની ૨૬ બેઠકોની ચૂંટણી માટેનું મતદાન ગઇકાલે તા.૨૩મી એપ્રિલનાં રોજ શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થયા બાદ ભાજપ અને કોંગ્રેસ દ્વારા પોતપોતાના ઉમેદવારોના જીતના દાવા કરાઇ રહ્યા છે. એકબાજુ,  ભાજપ દ્વારા ગુજરાતમાં કોંગ્રેસના કલીન સ્વીપનો દાવો કરી તમામ ૨૬ બેઠકો ફરી એકવાર કબ્જે કરવાનો દાવો કરી રહ્યું છે તો, બીજીબાજુ, કોંગ્રેસે આ વખતે મતદાનની વધેલી ટકાવારીથી કોંગ્રેસને ફાયદો થશે તેવો દાવો કર્યો હતો. કોંગ્રેસના પ્રવકતા ડો.મનીષ દોશીએ દાવો કરતાં જણાવ્યું કે, આ વખતે ગુજરાતમાં ૬૪ ટકા જેટલું મતદાન થયુ છે અને મતદાનની ટકાવારી વધી છે ત્યારે કોંગ્રસના તમામ ઉમેદવારોમાં પણ જીતની આશા અને જુસ્સો પ્રબળ જણાય છે.ગુજરાતમાં કોંગ્રેસ અને બીજેપીએ પોતાના પ્રચારમાં કોઇ કસર છોડી ન હતી. બંન્ને પાર્ટીઓએ મતદારોને રિઝવવા માટે તમામ પ્રકારના પ્રયાસ કર્યા હતાં. મતદાન પૂર્ણ થયા બાદ બંને પક્ષના ઉમેદવારોએ પોતાની જીતની આશા વ્યક્ત કરી હતી, ત્યાં જ કોંગ્રેસના પ્રવક્તા ડો. મનીષ દોશીએ પણ આશા વ્યક્ત કરી છે કે, આ વખતે થયેલા મતદાનને જોતા કોંગ્રેસ રાજ્યમાં પરત ફરી રહી છે. ગુજરાતની જનતા આ વખતે ભાજપને  જોરદાર આંચકો અને આઘાત આપશે, તે નક્કી છે. ડો.મનીષ દોશીએ વધુમાં જણાવ્યું હતું કે, મતદાનની વધેલી ટકાવારીથી કોંગ્રેસને ફાયદો થવાની પૂરી શકયતા છે. આ વર્ષે મતદાનની ટકાવારીમાં થયેલો વધારો કોંગ્રેસને ફાયદો કરાવશે તે નક્કી છે. આ વખતની ચૂંટણીમાં ગુજરાતની પ્રજા દ્વારા ખેડૂત વિરોધી અને યુવા વિરોધી ભાજપની નીતિ સામે મતદાન થયું છે માટે આ વખતની ચૂંટણીમાં કોંગ્રેસને ખુબ જ મોટો ફાયદો થશે. લોકસભાની ચૂંટણીમાં બાવળાના બાપુપુરા બૂથનો વીડિયો વાયરલ થવા અંગે ડો.મનીષ દોશીએ ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા કે, ભાજપના પૂર્વ ધારાસભ્ય લોકોને ધમકાવતા હોવાનો પણ બનાવ બન્યો છે. ત્યાં જ સાંસદના પીએ પાસેથી દારૂ-રૂપિયા મળ્યાનો બનાવ બન્યો છે. ભાજપ દ્વારા ચૂંટણી આચારસંહિતાના ભંગ કરાઇ હોવાના અનેક બનાવો ધ્યાન પર આવ્યા છે અને તેથી અમે ચૂંટણીપંચમાં ફરિયાદ કરી છે. માણાવદર પેટાચૂંટણીમાં બે બૂથ પર ફેરમતદાન સહિત ગંભીર ફરિયાદોના કિસ્સામાં ન્યાયિક તપાસની માંગણી પણ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી છે.

(9:47 pm IST)