ગુજરાત
News of Wednesday, 24th April 2019

ઇવીએમ સુરક્ષા માટે સ્ટ્રોંગ રૂમની ફરતે મજબૂત સુરક્ષા

વિપક્ષ કોંગ્રેસે ઇવીએમની સુરક્ષાને લઇ ટીમો તૈયાર : ૨૩મીએ ગુજરાત કોલેજ અને પોલિટેકનિકમાં મતગણતરી કલેકટરે ખુદ સુરક્ષા વ્યવસ્થાની ચકાસણી કરી : અહેવાલ

અમદાવાદ,તા. ૨૪ : ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનું મતદાન ગઇકાલે શાંતિપૂર્ણ માહોલમાં સમાપ્ત થયા બાદ એક મહિના સુધી અમદાવાદ સહિત રાજયભરના નિયત સ્ટ્રોંગ રૂમ અને સ્થળોએ રાખવામાં આવેલા ઇવીએમ અને વીવીપેટ  મશીનોની સુરક્ષા અને સલામતીની કપરી જવાબદારી ચૂંટણી તંત્ર અને સુરક્ષા જવાનોના માથે છે. હવે છેક તા.૨૩મી મેના રોજ મતગણતરી હાથ ધરાનાર હોવાથી ત્યાં સુધી તમામ ઇવીએમ અને વીવીપેટ સીલીંગ અને કોડીંગ સાથે લોખંડી સુરક્ષા કવચ હેઠળ રહેશે. જો કે, વિપક્ષ કોંગ્રેસે ઇવીએમની સુરક્ષાને લઇ આજે એક મહત્વની બેઠક બોલાવી હતી અને તેમાં અમદાવાદ સહિત રાજયના વિવિધ સ્થળોએ રખાયેલા ઇવીએમના સ્ટ્રોંગ રૂમ અને સ્થળોએ સુરક્ષા એજન્સીઓની સાથે સાથે તેમના પક્ષના કાર્યકરો અને આગેવાનોની જુદી જુદી ટીમો દ્વારા વોચ રાખવાની તૈયારી અને આયોજન હાથ ધરવામાં આવ્યા હતા. ગુજરાત લોકસભામાં ગઇકાલે પૂર્ણ થયેલા મતદાન સાથે જ રાજયની ૨૬ લોકસભા બેઠકો માટે કુલ ૩૭૧ ઉમેદવારના ભાવિ ઇવીએમમાં સીલ થયા છે. જેમાંથી પાંચ લોકસભાના ઇવીએમ અને વીવીપેટને અમદાવાદ ખાતેની ગુજરાત કોલેજમાં આવેલા સ્ટ્રોંગ રૂમમાં રાખવામાં આવ્યા છે. જેમાં અમદાવાદ(પૂર્વ), અમદાવાદ(પશ્ચિમ), ગાંધીનગર, સુરેન્દ્રનગર અને ખેડા બેઠકનો સમાવેશ થાય છે. આજે સવારે અમદાવાદના કલેકટર ડો. વિક્રાંત પાંડેએ પણ સ્ટ્રોંગ રૂમની મુલાકાત લઈ સુરક્ષા વ્યવસ્થા અંગેની ચકાસણી કરી હતી. હાલ સ્ટ્રોંગ રૂમને સીલ કરી દેવામાં આવ્યો છે. એક મહિના સુધી આ ઇવીએમ અને વીવીપેટ સ્ટ્રોંગ રૂમમાં રાખવામાં આવશે. તા.૨૩ મેના રોજ ગુજરાત કોલેજ અને પોલિટેકનિક ખાતે મતગણતરી કરવામાં આવશે. ત્યાં સુધી ઇવીએમમાં કોઇ ચેડાં ના થાય કે બદલાઇ ના જાય તેની દહેશત સાથે કોંગ્રેસ દ્વારા આજે એક મહત્વની બેઠક યોજી હતી અને ઇવીએમ-વીવીપેટની સુરક્ષાને લઇ ગંભીરતાપૂર્વકની ચર્ચા વિચારણા હાથ ધરી હતી. કોંગ્રેસ દ્વારા અમદાવાદ સહિતના રાજયના વિવિધ સ્થળોએ સ્ટ્રોંગ રૂમમાં રાખેલા ઇવીએમ-વીવીપેટની સુરક્ષા માટે સુરક્ષા એજન્સીઓના જવાન અને સુરક્ષા કવચની સાથે સાથે તેમની રીતે પણ પક્ષના કાર્યકરો અને આગેવાનોની જુદી જુદી ટીમો તૈયાર કરી તમામ ગતિવિધિ પર વોચ રાખવાનું પણ આયોજન કરાયું છે. કોંગ્રેસ દ્વારા આ વખતે લોકસભા ચૂંટણીમાં ભાજપને આક્રમકતાથી ટક્કર અપાઇ હોવાનું કોઇપણ પ્રકારનો ચાન્સ લેવા માંગતું નથી અને તેથી જ ઇવીએમ-વીવીપેટ મુદ્દે પણ કોંગ્રેસ અતિગંભીર છે.

(7:47 pm IST)