ગુજરાત
News of Wednesday, 24th April 2019

પાટણ લોકસભા બેઠક માટે ૬૧.ર૩ ટકા મતદાન : ૧ર ઉમેદવારોનું ભાવિ ઇવીએમમાં કેદ

ગત લોકસભાની ચૂંટણી કરતા ૩ ટકા મતદાન વધ્યુ

પાટણ : તસ્વીરમાં પાટણમાં ૮૯ વર્ષથી મતદાન કરતા ૧૦૭ વર્ષના કુંવરબેન લાખાભાઇ વાંસફોડાવાદી નજરે પડે છે જેને ખાટલામાં બેસાડીને મતદાન મથકે લવાયા હતા.

પાટણ, તા. ર૪ : પાટણ લોકસભા બેઠક માટે મંગળવારના રોજ યોજાયેલ મતદાનમાં મતદારોએ વહેલી સવારે ૭ વાગ્યાથી જ પોતાના પવિત્ર મતાધિકારનો ઉપયોગ કરવા લાગ્યા હતા અને દિવસ ભર આ મહાપર્વમાં પોતાની ફરજને નિષ્ઠાપૂર્વક અદા કરી હતી લોકસભા બેઠકનું કુલ ૬૧.ર૩ ટકા મતદાન નોંધાયું હતુ અને ભાજપ કોંગ્રેસ સહિત બાર ઉમેદવારોનું ભાવી ઇવીએમ મશીનોમાં સીલ થઇ ગયું હતું.

પાટણ લોકસભા બેઠકઙ્ગઉપર ભાજપના ભરતસિંહ ડાભી અને કોંગ્રેસના જગદીશભાઇ ઠાકોર સહિત અન્ય રાજકીય પક્ષો અને અપક્ષ ઉમેદવારો મળી કુલ ૧ર ઉમેદવારો ચૂંટણીનો જંગ લડી રહ્યા છે આજરોજ પાટણ જિલ્લાની ચાર વિધાસભા પાટણ સિધ્ધપુર ચાણસ્મા અને રાધનપુર બનાસકાંઠા જિલ્લાની વડગામ અને કાંકરેજ મહેસાણા જિલ્લાની ખેરાલ મળી કુલ ૭ વિધાનસભા મત વિસ્તારમાં આવેલા ર૧૦૭ મતદાન મથકો ઉપર સવારે સાત વાગ્યાથી લોકશાહીનું મહાપર્વ સમાન  ચૂંટણી યોજાઇ હતી.

 પાટણ લોકસભાની આજરોજ ચૂંટણી યોજાઇ હતી, જેમાં સવારે ૭ વાગ્યાથી સાંજે ૬ વાગ્યા સુધી મતદાનની કાર્યવાહી ચાલી, લોકસભાનું કુલ ૬૧.૨૩ ટકા મતદાન થયું હતું, જેમાં સૌથી વધુ મતદાન ભાજપના ઉમેદવાર ભરતસિંહ ડાભીના ખેરાલુ વિધાનસભા મત વિસ્તારમાં થયું હતું. કુલ ૬૫.૯૭ ટકા મતદાન થયું હતું. ખેરાલુ વિધાનસભા મત વિસ્તારમાં લોકોએ સ્થાનીક ઉમેદવાર  જગદીશભાઇ ઠાકોરના મત વિસ્તાર કાંકરેજ વિધાનસભા મત વિસ્તારમાં પણ મતદારોએ ૬૦.૩૯ ટકા જેટલું ઉંચુ મતદાન કર્યુ છે. લોકસભા મત વિસ્તારમાં સૌથી ઓછુ મતદાન ચાણસ્મા વિધાનસભા મત વિસ્તારમાં ૫૬.૭ ટકા જ મતદાન નોંધાયુ હતું.

(4:07 pm IST)