ગુજરાત
News of Wednesday, 24th April 2019

પરીક્ષા પૂરી... ચૂંટણી પૂરી... હવે પરિણામની મૌસમઃ ધો. ૧૨ સાયન્સનું ૯ મેઃ ૨૩ મેએ ધો. ૧૦નું પરિણામની સંભાવના

ધો. ૧૨ સામાન્ય પ્રવાહનું પરિણામની શકયતા : બોર્ડ દ્વારા કાર્યવાહીનો ધમધમાટ : સત્તાવાર જાહેરાત રાહ

રાજકોટ તા. ૨૪ : ગઇકાલે લોકસભાની ત્રીજા ચરણમાં ગુજરાતની ૨૬ બેઠકોની ચૂંટણી પૂરી થઇ છે તો ગત માર્ચ માસમાં ધો. ૧૦ અને ધો. ૧૨ની પરીક્ષા પૂર્ણ થઇ છે ત્યારે હવે પરિણામની રાહ જોઇ રહ્યા છે.

ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલ ધોરણ ૧૦ અને ૧૨વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાનાં પરિણામો આગામી મે માસના અંત સુધીમાં આવી જશે. ધોરણ દસનું પરિણામ ૨૩ મે અને ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહનું પરિણામ તારીખ ૯ મેના રોજ જાહેર કરશે તેવી શકયતા છે. જયારે ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહનું પરિણામ તારીખ ૩૧ મેના રોજ જાહેર થવાની શકયતા છે. હજુ સત્તાવાર કોઇ યાદી બહાર પડી નથી.

૭ મી માર્ચના રોજ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા ધોરણ ૧૦ અને ૧૨ની પરીક્ષા લેવામાં આવી હતી. બોર્ડની પરીક્ષામાં ૧૭ લાખ ૫૦ હજારથી વધુ વિદ્યાર્થીઓ નોંધાયા હતા. વિજ્ઞાન પ્રવાહમાં ૧,૫૭,૧૬૦ ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહમાં ૫૨૨ લાખથી વધુ અને ધોરણ દસમા ૧૦,૫૦ લાખથી વધુ વિદ્યાર્થીઓ નોંધાયા હતા. વર્ષ ૨૦૧૮ની તુલનાએ વર્ષ ૨૦૧૯માં વિદ્યાર્થીઓની સંખ્યા વધી છે.

કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ સેન્ટ્રલ બોર્ડ (સીબીએસઈ) મે મહિનાના ત્રીજા અઠવાડિયામાં ૧૦મા અને ૧૨મા ધોરણનું પરિણામ જાહેર કરશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ૧૦મા અને ૧૨મા ધોરણનાં પરિણામો ૧૩થી ૧૭મે વચ્ચે જાહેર થઈ શકે છે. સીબીએસઈ ૧૨મા ધોરણનું રિઝલ્ટ પહેલાં બહાર પાડશે. ત્યારબાદ ૧૦માનું પરિણામ જાહેર કરવામાં આવશે. બોર્ડની પરીક્ષા આપેલા ઉમેદવારો સીબીએસઈની ઓફિશિયલ વેબસાઇટ cbse.nic.in અને cbseresults.nic.in પર જઇને રિઝલ્ટ જોઈ શકે છે. આ વર્ષે સમગ્ર દેશમાંથી કુલ ૩૧ લાખ વિદ્યાર્થીઓએ ધોરણ ૧૦ અને ૧૨ની પરીક્ષા આપી હતી.

સીબીએસઈએ ૧૪ માર્ચથી જ પેપર ચેકિંગ શરૂ કરી દીધું હતું, મેના પહેલાં અઠવાડિયા સુધી ૧.૭ કરોડ પેપરોની મૂલ્યાંકન પ્રક્રિયા મેના પહેલા સપ્તાહમાં પૂર્ણ થઈ જાય તેવી સંભાવના છે. જેથી પરિણામ સમયસર જાહેર થવાની શકયતા છે.

(3:29 pm IST)