ગુજરાત
News of Wednesday, 24th April 2019

વડોદરામાં સગીરા પર બળાત્કાર ગુજારનારને દસ વર્ષની કેદની સજા

માદક પદાર્થની સિગારેટ પિવડાવ્યા બાદ તેની સાથે બળાત્કાર

વડોદરામાં પંદર વર્ષની સગીર વિદ્યાર્થિનીનું અપહરણ કરી તેને માદક પદાર્થની સિગારેટ પિવડાવ્યા બાદ તેની સાથે બળાત્કાર ગુજારનાર આરોપીને ન્યાયાધીશે કસૂરવાર ઠેરવી દસ વર્ષની સખત કેદનો આદેશ કર્યો હતો.

વર્ષ ર૦૧૭માં અમીનખાન મુસ્તુફાખાન પટેલે ૧પ વર્ષની ઉમરની વિદ્યાર્થિનીનું તને ઘરે મૂકી જાઉં છું તેમ જણાવીને અપહરણ કર્યું હતું અને ત્યાર બાદ તેને એક મકાનમાં લઇ ગયો હતો, જ્યાં આ શખ્સે વિદ્યાર્થિનીને માદક સિગારેટ પિવડાવી હતી અને તેની પર બળાત્કાર ગુજાર્યો હતો.

 આ અંગેનો કેસ અત્રેની અદાલતમાં ચાલી જતાં કેસમાં વિથ પ્રોસિક્યુશન એડ્વોકેટ નીરજ જૈન હાજર રહ્યા હતા. જ્યારે સરકાર તરફે સરકારી વકીલ અતુલ વ્યાસ હાજર રહ્યા હતા. કેસમાં ૧૧ સાક્ષી અને ર૧ દસ્તાવેજી પુરાવા વંચાણે લેવામાં આવ્યા હતા અને ન્યાયાધીશે પોક્સો એક્ટ અને બળાત્કારની કલમ હેઠળ આરોપીને કસૂરદાર ઠેરવી દસ વર્ષની સખત કેદનો આદેશ કર્યો હતો. 

  આરોપીને કસૂરદાર ઠેરવતાં ન્યાયાધીશે ચુકાદામાં નોંધ્યું હતું કે સ્ત્રીના માન-સન્માન તથા તેના અસ્તિત્વની રક્ષા કરવાની જવાબદારી ન્યાયની અદાલત પર છે. આવા ગુનામાં હળવાશભર્યો વ્યૂહ અપનાવવો ન્યાયોચિત જણાતું નથી.

(2:30 pm IST)