ગુજરાત
News of Wednesday, 24th April 2019

ઇન્દ્રપ્રસ્થ ટાવર ઉપરથી પડતું મુકી યુવકે કરેલ આત્મહત્યા

બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર : યુવકની ઓળખને લઇ પોલીસની ચકાસણી : આપઘાતનું કારણ જાણવાની દિશામાં પણ તપાસ માટે ચક્રો ગતિમાન

અમદાવાદ,તા. ૨૪ : શહેરના ડ્રાઇવઇન રોડ પર હિમાલયા મોલની બાજુમાં આવેલા ઇન્દ્રપ્રસ્થ ટાવરમાં આજે વહેલી સવારે એક યુવકની લાશ મળી આવતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઇ હતી. યુવકે દસમા માળેથી ઝંપલાવીને આત્મહત્યા કરી હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે ત્યારે હવે પોલીસે આ યુવક કોણ છે અને તે ક્યાંનો રહેવાસી છે તે મામલે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. પોલીસે યુવકની આત્મહત્યાનું કારણ જાણવાની દિશામાં પણ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, ડ્રાઇવઇન રોડ પરના ઇન્દ્રપ્રસ્થ ટાવરમાં આજે વહેલી સવારે એક યુવકની લોહીથી લથપથ હાલતમાં લાશ ટાવરના રહીશોએ જોતાં તાત્કાલીક પોલીસને ફોન કરીને જાણ કરી હતી. વસ્ત્રાપુર પોલીસને ઘટનાની જાણ થતાં તે તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને તપાસ શરૂ કરી હતી, તો બીજી તરફ ઉચ્ચ અધિકારીઓ પણ આવી પહોંચ્યા હતા. પોલીસે ઇન્દ્રપ્રસ્થ ટાવરના સીસીટીવી ફૂટેજ ચેક કર્યા હતા. જેમાં સવારે આઠ વાગ્યાની આસપાસ યુવક ટાવરમાં આવે છે અને સાડા આઠ વાગ્યાની આસપાસ ટાવરના એ બ્લોકના દસમા માળેથી ઝંપલાવીને આત્મહત્યા કરે છે. સ્થાનિકોએ પોલીસને જણાવ્યુ હતું કે, સવારે કાંઇ પડવાનો અવાજ આવ્યો હતો પરંતુ એ બ્લોકમાં કામ ચાલતું હોવાથી કોઇ ચીજ વસ્તુ પડી હોય તેવું લાગ્યું હતું. રહીશો ત્યાંથી પસાર થયા ત્યારે લોહીથી લથપથ હાલતમાં એક યુવકની લાશ જોઇ હતી અને તેમણે તરત જ પોલીસને જાણ કરી હતી. વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એમ.એમ.જાડેજા અને તેમની ટીમ તાત્કાલીક ઘટના સ્થળે પહોંચીને તાપસ શરૂ કરી છે. આ યુવક કોણ છે, તે ક્યાંનો રહેવાસી છે અને ઇન્દ્રપ્રસ્થ ટાવરમાં આત્મહત્યા કરવા માટે કેમ આવ્યો હતો તે જાણવા માટે ચક્રો ગતિમાન કર્યાં છે. યુવકની આત્મહત્યા પાછળનું શું કારણ છે તે જાણવા માટે પણ તપાસ તેજ કરી છે. હાલ પોલીસેે યુવકની લાશને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલી આપી છે અને યુવકે આત્મહત્યા કરી છે કે તેને ધક્કો મારીને ફેંકી દેવાયો છે તે અંગે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

(9:47 pm IST)