ગુજરાત
News of Wednesday, 24th April 2019

ગુજરાતમાં પોણા ત્રણ કરોડ લોકોએ મત આપ્યો, સવા કરોડે ન આપ્યો

રાજ્યનું કુલ મતદાન ૬૩.૫૭ કરોડઃ વલસાડમાં સૌથી વધુ ૭૪.૦૯ ટકા, અમરેલી બેઠકમાં સૌથી ઓછું ૫૫.૭૩ ટકાઃ રાજકોટમાં ૬૩.૧૨ ટકા

રાજકોટ, તા. ૨૪ :. ગુજરાતમાં લોકસભાની ૨૬ બેઠકો અને ધારાસભાની ૪ બેઠકો માટે ગઈકાલે ચૂંટણી પ્રક્રિયા પુરી થઈ છે. લોકસભામાં ૬૩.૧૨ ટકા જેટલુ મતદાન થયુ છે. ભારે તાપમાન છતા મતદારોએ પોતાની ફરજ નિભાવી છે. ગુજરાતમાં ૪ કરોડ, ૫૧ લાખ, ૨૫ હજાર, ૬૮૦ જેટલા મતદારો છે. તે પૈકી ૨.૮૭ કરોડ જેટલા મતદારોએ મતાધિકાર ભોગવ્યો છે. ૧.૬૩ કરોડ જેટલા મતદારોએ મતદાન કર્યુ નથી. મત મશીન તા. ૨૩મીએ ખુલશે.

૨૦૧૪ની લોકસભાની ચૂંટણીમાં ગુજરાતમાં ૬૩ ટકા જેટલુ મતદાન થયેલ. આ વખતે પણ મતદાનનો આંકડો તેની નજીકનો રહ્યો છે. મતદારો વધ્યા પણ મતદાનના આંકડામાં ખાસ ફેરફાર થયો નથી. ઉનાળાનો ધોમધખતો તાપ અને પ્રચાર વખતના મતદારોના નિરૂત્સાહ છતા જે મતદાન થયુ તે સારૂ ગણાય છે. ગુજરાતમાં સૌથી વધુ મતદાન વલસાડ બેઠકમાં ૭૪.૯ ટકા અને સૌથી ઓછુ મતદાન અમરેલી બેઠકમાં ૫૫.૭૩ ટકા થયુ છે. રાજકોટનું મતદાન ૬૩.૧૨ ટકા છે.

રાજ્યમાં મુખ્યત્વે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સ્પર્ધા છે. બન્ને પક્ષોએ જીતના દાવા કર્યા છે. ૨૦૧૪માં તમામ ૨૬ બેઠકો પર ભાજપનો વિજય વાવટો લહેરાયો હતો. ૨૦૧૯માં ભાજપ તે જાળવી રાખે છે કે કોંગ્રેસ ભાગ પડાવે છે ? તેનો ખ્યાલ ૨૩ મે એ આવશે. હાલ તો મતદાનના વિસ્તારવાર આંકડાના આધારે સરસાઈના અનુમાન થઈ રહ્યા છે.

(11:31 am IST)