ગુજરાત
News of Tuesday, 24th April 2018

વાગરાથી નોકરીએ જતી યુવતીને બસમાંથી ઉતારી છેડતી કરીને માર મારનાર શાહરુખ શેખની ધરપકડ

 

વાગરાથી નોકરીએ જતી યુવતીને બસમાંથી ઉતારી છેડતી કરીને માર મારવાની વાગરા પોલીસ મથકે એકાદ મહિના અગાઉ નોંધાયેલ  ફરિયાદ બાદ આરોપીની ધરપકડ કરાઈ છે ફરિયાદની વિગત મુજબ વાગરાથી નોકરીએ જવા માટે યુવતી એસ.ટી.બસ મારફતે ઘરેથી નીકળી ભરૂચ તરફ જઈ રહી હતી.દરમિયાન વાગરામાં વાંટા ખાતે રહેતા શાહરુખ સલીમ શેખે પોતાની સ્વીફ્ટ ગાડી લઈ ભરૂચ તરફ જઈ રહેલી એસ.ટી. બસનો પીછો કર્યો હતો. આંકોટ ગામના બસ સ્ટેન્ડ ઉપર બસ ઉભી રહેતાં બસમાં ચઢી જઈ શાહરુખ શેખે યુવતીનો હાથ પકડી તેને બસની બહાર ખેંચી લાવ્યો હતો.

   શાહરુખ શેખે યુવતીને કહ્યું હતું કે, તું મને કેમ ફોન કરતી નથી. બાદમાં બીભત્સ ગાળો બોલી યુવતીને ઢીકાપાટુનો માર માર્યો હતો. બાદમાં રોડ ઉપર પડેલી ઈંટ યુવતીના કપાળના ભાગે મારતાં યુવતી લોહી લુહાણ થઇ ગઇ હતી. જેને યુવકે છરો બતાવી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. જેથી ગભરાયેલી યુવતીએ વાગરા પોલીસ મથકે શાહરૂખ વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી હતી. છેડતી કરનાર યુવકને પકડવામાં પોલીસને સતત નિષ્ફળતા સાંપડી હતી.

   ધોળે દિવસે બસમાંથી યુવતીને ખેંચીને છેડતી કરી જાનથી મારી નાંખવાની ધમકી આપવાની ઘટનાએ સમગ્ર વાગરા પંથકમાં ભારે ચકચાર મચી હતી. આખરે ઘટનામાં આરોપીને વાગરા પોલીસે ઝડપી પાડવામાં સફળતા સાંપડી હતી. પોલીસે આરોપી શાહરૂખ શેખને ઝડપી પાડી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(12:12 am IST)