ગુજરાત
News of Tuesday, 24th April 2018

પ્રેમસંબંધ માટે દબાણ કરનાર યુવક વિરૂદ્ધ અંતે ફરિયાદ થઇ

યુવતીની મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ : મિત્રતામાં પડાવેલા ફોટા જાહેર કરી દેવાની ધમકી આપી પરેશાન કરતો યુવક ફરાર થયો : પોલીસની તપાસ શરૂ

અમદાવાદ,તા. ૨૪ : મિત્રતામાં સાથે પડાવેલા ફોટા સમાજમાં બતાવી દેવાની ધમકી આપી યુવતીને પોતાની સાથે પ્રેમસંબંધ રાખવા દબાણ કરનાર રોડ રોમિયો વિરુદ્ધ  મહિલા પૂર્વ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. યુવતી ટીવાયબીકોમની પરીક્ષાનું પેપર પૂરૂ કરી તેના માતા-પિતા સાથે ઘરે પરત ફરી રહી હતી ત્યારે ઇદગાહ બ્રિજ પર એકતરફી પ્રેમમાં પાગલ યુવકે યુવતીને રોકી યુવતીના મિત્રને ગાળો બોલી ધમકી આપી નાસી ગયો હતો. યુવતીએ નોંધાવેલી ફરિયાદના આધારે રોડ રોમીયો વિરૂધ્ધ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, શહેરના શાહીબાગ વિસ્તારમાં રહેતી અને ટી.વાય. બીકોમમાં અભ્યાસ કરતી યુવતી શાહીબાગ ખાતે આવેલા શુકન મોલમાં ટ્યુશન ક્લાસમાં જતી હતી. ક્લાસીસમાં ભણતા સુમીત રાજપૂત(રહે. વાસુદેવ સોસાયટી, ગિરધરનગર) નામના યુવક સાથે મિત્રતા થઇ હતી. થોડા સમય બાદ યુવકે આ યુવતીને પ્રેમ કરતો હોવાનું જણાવી લગ્ન કરવા કહ્યું હતું. જો કે યુવતીએ માત્ર  તેને માત્ર મિત્રતા જ રાખવા જણાવ્યું હતું. યુવકે મિત્રતાની વાત માન્ય રાખી યુવતી સાથે ફરવા લાગ્યો હતો અને એ દરમ્યાન તેની સાથે ફોટા પણ પડાવ્યા હતા. બાદમાં એકતરફી પ્રેમમાં પાગલ આ રોડ રોમીયો યુવતી પર સીધી કે આડકતરી રીતે તેની સાથે પ્રણયસંબંધ બાંધવા ભયંકર રીતે દબાણ કરતો હતો. જો કે, યુવતીના સાફ ઇનકારથી નારાજ થયેલા રોડ રોમીયો યુવકે હદ વટાવી હતી. જેમાં યુવતી કોલેજથી ઘરે આવતી હતી ત્યારે રસ્તામાં રોકી તેણીએ મિત્રતામાં સાથે પડાવેલા ફોટા સમાજમાં બતાવી દેવાની ધમકી આપી પ્રેમસંબંધ માટે દબાણ કર્યુ હતું. બનાવની ગંભીરતા ધ્યાને લઇ યુવતીએ આખરે તેને હેરાન-પરેશાન કરતાં રોડ રોમીયો યુવક વિરૂધ્ધ અગાઉ શાહીબાગ પોલીસ સ્ટેશનમાં અરજી આપી હતી. તે સમયે યુવકે હવે તેણીને હેરાન નહીં કરે તેવી બાંહેધરી આપી હતી. જો કે ફરી યુવતી જયારે તેના માતા-પિતા અને તેના મિત્ર સાથે ઘેર પરત ફરી રહી હતી ત્યારે રોડ રોમીયો યુવકે રસ્તામાં તેને આંતરી અગાઉના ફોટા સમાજમાં બતાવી બદનામ કરી દેવા સહિત ધમકી આપી હતી અને પોતાની સાથે પ્રેમસંબંધ બાંધી લેવા દબાણ કર્યું હતું. એટલું જ નહી, તેની સાથેના મિત્રને ગાળો બોલી અને ધમકી આપી રોડ રોમીયો યુવક નાસી ગયો હતો. જેથી યુવતીએ આખરે યુવકના ત્રાસ અને રંજાડગતિથી કંટાળી રોડ રોમીયો સુમીત રાજપૂત વિરૂધ્ધ મહિલા પૂર્વ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(8:15 pm IST)