ગુજરાત
News of Tuesday, 24th April 2018

તું અમને કાયદો શીખવાડે છે તેમ કહીને જાતિ પ્રત્યે હડધુત કરનાર ખેડાના તત્કાલીન પીઅેસઆઇ અે.આર. ઝાલાને અેટ્રોસિટી કેસમાં ૪ વર્ષની સજા ફટકારતી નડિયાદની સ્પેશ્યલ સેશન્સ કોર્ટ

અમદાવાદઃ અમદાવાદ: હાલ કચ્છના ગઢશીશા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ સબ ઈન્સ્પેક્ટર એ.આર. ઝાલાને એટ્રોસિટીના કેસમાં કોર્ટે ચાર વર્ષની સખત કેદની સજા ફટકારી છે. ઝાલા ખેડામાં ફરજ બજાવતા હતા ત્યારે તેમની સામે 2015માં એટ્રોસિટીની ફરિયાદ દાખલ થઈ હતી, જેનો કેસ નડિયાદની સ્પેશિયલ સેશન્સ કોર્ટમાં ચાલી જતા તેમને ચાર વર્ષની સખત કેદની સજા ફટકારાઈ છે.

મૂળ ધ્રાંગધ્રાના રહેવાસી અજયસિંહ ઝાલા વિરુદ્ધ મનુભાઈ વાઘેલા નામના વ્યક્તિએ એટ્રોસિટીની ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં તેમણે જણાવ્યું હતું કે, ઝાલાએ તેમને જાતિ વિષયક અપશબ્દો બોલી અપમાનિત કર્યા હતા. ફરિયાદી મનુભાઈએ ઝાલા પર પોતાને તું અમને કાયદો શીખવાડે છે..તેમ કહી મોઢાના ભાગે, તથા છાતીમાં અને પેટમાં લાતો તેમજ મુક્કા માર્યા હતા તેવો પણ આક્ષેપ કર્યો હતો.

ફરિયાદ અનુસાર, ઝાલાએ મનુભાઈ ઉપરાંત અશોક બારૈયા નામના શખ્સ સાથે પણ મારઝૂડ કરી હતી. જેની સામે તેમની સામે એટ્રોસિટીની ફરિયાદ નોંધાવાઈ હતી. આ કેસની નડિયાદના સ્પેશિયલ જજ (એટ્રોસિટી) તથા એડિશનલ સેશન્સ મેજિસ્ટ્રેટ વી.ડી. પરમારની કોર્ટમાં ચાલી રહી હતી.

જેમાં સરકારી વકીલની દલીલો તેમજ સમગ્ર પુરાવાને ધ્યાનમાં લઈ કોર્ટે પીએસઆઈ અજયસિંહને એટ્રોસિટીની કલમ 3 (1) (આર) (એસ)ના ગુનામાં ચાર વર્ષની સખત કેદ તથા 5000 રુપિયાનો દંડ ફટકાર્યો છે. જો ગુનેગાર દંડ ન ભરે તો વધુ પાંચ માસની સાદી કેદની સજાનો હુકમ પણ કોર્ટે કર્યો છે.

(6:05 pm IST)