ગુજરાત
News of Tuesday, 24th April 2018

રાજ્યના ૮ મહાનગરોમાં ૨૦ કિ.મી. દૂર માલધારી વસાહત ઉભી કરવા રાજ્ય સરકાર ટોકન ભાવે જમીન ફાળવશેઃ પાણી-લાઇટ-રસ્‍તા અને આવાસ જેવી માળખાકીય સુવિધાઓ માટે જરૂરી સહાય અપાશેઃ વિજયભાઇ રૂપાણીની જાહેરાત

ગાંધીનગરઃ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મહાનગરોમાં ટ્રાફિક અને નાગરિકોને અડચણ રૂપ થતા પશુઓનો પ્રશ્ન હલ કરવા જણાવ્યુ કે, શહેરોમાં વસતા અને પશુઓ ધરાવતા માલધારી સમાજને શહેરથી 20 કિલોમીટર દૂર ટોકન ભાવે જમીન આપવામાં આવશે. તેમણે કહ્યુ કે, 8 મહાનગરોની બહાર 20 કી.મી દૂર માલધારી વસાહતો ઉભી કરવા રાજ્ય સરકાર ટોકન ભાવે જમીન ફાળવશે અને પાણી લાઈટ રસ્તા આવાસ જેવી માળખાકીય સુવિધાઓ માટે જરૂરી સહાય કરશે.

રૂપાણીએ વધુમાં ઉમેર્યુ કે, રાજ્યના આ વર્ષના બજેટમાં આ હેતુસર સરકારે જોગવાઇ કરી છે. વિજય રૂપાણીએ ગાંધીનગરમાં આયોજિત સમારોહમાં ગુજરાત ગોપાલક વિકાસ નિગમ દ્વારા 513 લાભાર્થીઓને 6.77 કરોડના વિવિધ લૉન સહાય ચેક પશુપાલન તેમજ સ્વરોજગારની યોજના અન્વયે અર્પણ કર્યા હતા. તેમણે ઉમેર્યું કે ગાય ગંગા ગીતા અને ગિરિધરની પૂજક આપણી સંસ્કૃતિમાં ગોપાલક સમાજ હમેશા ગૌ માતાનું જતન સંવર્ધન કરીને પશુ પાલન તેમજ દૂધના વ્યવસાયથી જીવન ગુજારે છે તેમના સમયાનુકુલ આર્થિક સામાજિક બદલાવ અને મૂલ્ય વર્ધન માટે રાજ્ય સરકાર અનેક યોજનાઓ અંતર્ગત ગોપાલક સમાજના યુવાનોને મેડિકલ ઇજનેરી સ્વરોજગાર માટે સહાય આપે છે.

વિજયભાઈ રૂપાણીએ પશુપાલન વ્યવસાયમાં પણ આધુનિક અભિગમ અપનાવી પશુફાર્મ યોજનામાં દૂધાળા પશુફાર્મની સ્થાપના માટે ફાર્મ દીઠ 3 લાખ સુધીની સહાય રાજ્ય સરકાર આપશે તેમ કહ્યું હતું. આ માટે આ વર્ષે 5000 ફાર્મની સ્થાપનાના લક્ષયાંક માટે 140.45 કરોડની બજેટ જોગવાઈ કરી છે. તેની ભૂમિકા મુખ્યમંત્રીએ આપી હતી. વિજય રૂપાણીએ પશુ પાલન વ્યવસાય સાથે સંકળાયેલા ગોપાલક સમાજ સહિત સમગ્ર રાજ્યના નાગરિકો, સેવાભાવિ સંગઠનોને આગામી 1મે થી 31 મે દરમ્યાન રાજ્યવ્યાપી સુજલામ સુફલામ જળ સંચય અભિયાનમાં જોડાવા પણ આહ્વાન કર્યું હતું.

(6:02 pm IST)