ગુજરાત
News of Tuesday, 24th April 2018

સુરતમાં બાળા ઉપર દુષ્‍કર્મ-હત્યા પ્રકરણમાં ઝડપાયેલ હર્ષસાઇ ગુર્જરનો તેના પિતરાઇ ઉપર બાળા અને તેની માતાની હત્યા કર્યાનો આરોપ

સુરતઃ સુરતમાં ૧૧ વર્ષની બાળા ઉપર દુષ્‍કર્મ આચર્યા બાદ તેની હત્યા કરવાના આરોપસર પકડાયેલ હર્ષસાઇ ગુર્જરે હવે તેના પિતરાઇ પર બાળકી અને તેની માતાનો હત્યા કર્યાનો આરોપ લગાવ્યો છે.

હર્ષસાઈનો પિતરાઈ હરિઓમ હાલમાં પોલીસ પકડથી દૂર છે. પોલીસે હર્ષસાઈના આરોપ બાદ તેના પિતરાઈ હરિઓમની ધરપકડ અને પૂછપરછ કરવાની ગતિવિધી તેજ કરી છે. પોલીસે આ કેસમાં હાલ બે લોકો હરિઓમ ગુર્જર અને કુલદીપ નામના વ્યક્તિની ધરપકડ કરવા માટે કાર્યવાહી હાથ ધરી છે.

સુરતમાં મહિલાની હત્યા કરાયેલી લાશ મળી હતી તેની સાથે બાળકીનો ડીએનએ રિપોર્ટ મેચ થઈ ગયો છે. આથી જે બંને માતા-પુત્રી હોવાનું સાબિત થયું છે. જોકે, હજી સુધી બાળકી અને તેની માતા કયા રાજ્યની છે, તેમજ સુરત કેવી રીતે પહોંચી તે અંગે તપાસ ચાલી રહી છે. આ કેસમાં પોલીસે હરસાઈની પત્નીની પણ પૂછપરછ શરૂ કરી છે. પોલીસ એવું માની રહી છે કે તેની પત્ની રમાદેવી બાળકી તેમજ તેની માતાની હત્યા અંગે તમામ હકીકતથી વાકેફ હતી.

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે બાળકીની માતાની હત્યા બાદ આશરે 14 દિવસ સુધી બાળકી હરસાઈના ઘરે જ રહી હતી. આ દરમિયાન બાળકીએ પાડોશીએ સહિત લોકોને તેની માતાની હત્યાની વાત કરતા ગુસ્સેભરાયેલા હસસાઈએ તેની હત્યા કરી નાખી હતી.

સુરત રેપ કેસમાં ક્રાઇમ બ્રાંચે આરોપીની પૂછપરછ કરતા તેણએ કબૂલ્યું હતું કે માતાએ લગ્નની જીદ કરી હતી તેના કારણે તેની હત્યા કરી હતી. માતાની હત્યા પછી બાળકી પર અનેકવાર દુષ્કર્મ કર્યું હતું.

મુખ્ય આરોપી હર્ષ ગુર્જર મૂળ રાજસ્થાનનો વતની છે. સુરતમાં તે પોતાના ભાઈ સાથે કન્ટ્રક્શનનું કામ કરતો હતો. 27 વર્ષીય હર્ષ પરિણીત છે અને બે બાળકોનો પિતા છે. હર્ષ બાળકી તેમજ તેની માતાને રાજસ્થાનથી પોતાની સાથે લાવ્યો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. થોડા દિવસ પહેલા બાળકીની માતા ગુમ થઈ જતાં તે બાળકીને પોતાની સાથે ઘરે લઈ ગયો હતો. જ્યારે પોતાની હવસનો શિકાર બનાવીને તેની હત્યા કરીને ફેંકી દીધી હતી. આ કેસમાં પોલીસે જીણવટભરી તપાસ શરૂ કરતા તે પોતાના પરિવાર સાથે રાજસ્થાન જતો રહ્યો હતો.

પાંડેસરાની બાળકીનો કેસ ઉકેલવા માટે અમદાવાદ ક્રાઇમબ્રાંચ સુરત પોલીસની મદદે આવી હતી. અમદાવાદ ક્રાઇમબ્રાંચે કેસને ઉકેલવા માટે પાંડેસરામાં ઘટનાસ્થળની આસપાસના વિસ્તારના 250 જેટલા સીસીટીવી કેમેરા તપાસ્યા હતા. જેમાં પોલીસે શંકાસ્પદ લાગતી કાર્સની એક યાદી તૈયારી કરી હતી. પોલીસને એક ફૂટેજમાં એક કાળા કલરની શેવરેલોટ સ્પાર્ક કારને ટ્રેક કરી હતી. બાદમાં કારના માલિકને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યો હતો. પૂછપરછ દરમિયાન કારના માલિકે પોતાની કાર તેના મકાન હરિસિંહનો ભાઈ હર્ષ ગુર્જર લઈ ગયાનો ખુલાસો થયો હતો. બાદમાં ક્રાઇમબ્રાંચે રાજસ્થાન પોલીસને જાણ કરતા હર્ષની ગુર્જરની ધરપકડ કરવામાં આવી હતી.

6 એપ્રિલના રોજ પોલીસને પાંડેસરા વિસ્તારમાંથી એક 11 વર્ષની બાળકીની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. તપાસમાં માલુમ પડ્યું હતું કે આ બાળકીની બળાત્કાર બાદ હત્યા કરી દેવામાં આવી હતી. હત્યારાઓને શોધવા માટે 100થી વધારે પોલીસકર્મીઓ તેમજ અલગ અલગ એજન્સીઓને કામ લગાડવામાં આવી હતી. આ કેસને ઉકેલવા માટે અમદાવાદ ક્રાઇમ બ્રાંચ પણ સુરત પહોંચી હતી.

(5:55 pm IST)