ગુજરાત
News of Tuesday, 24th April 2018

નકલી પોલીસની ઓળખાણ આપી સિનિયર સિટીજન મહિલા પાસેથી વડોદરાના 3 ગઠિયાએ સાડાસાત તોલા દાગીના પચાવી પાડ્યા

વડોદરા:ગોત્રીના મકરંદ દેસાઇ રોડ પરથી પસાર થતી સિનિયર સિટિઝન મહિલાને પોલીસના સ્વાંગમાં ત્રણ ગઠિયાઓએ અટકાવીને સાડાસાત તોલાના દાગીના લૂંટી લીધા હતા.

વાસણારોડની શિવશક્તિ સોસાયટીમાં રહેતા ગેસલાઇનના કોન્ટ્રાક્ટરના પત્ની મધુબાલા રામમોહન અગ્રવાલે પોલીસને જણાવ્યુ હતુ કે,આજે મોર્નિંગ વોક માટે નીકળી ત્યારે પરત ફરતા મકરંદ દેસાઇ રોડ પર સ્ટાર ઓટો ગેરેજ પાસે એક યુવકે હું પોલીસ વાળો છું..કહી અટકાવી હતી.તેણે પેલા બોલાવે છે તેમ કહેતા હું બીજા શખ્સ પાસે ગઇ ત્યારે તેણે કહ્યુ હતુ કે, અહીં ચોરી-લૂંટ થાય છે..પેપર વાંચો છો કે નહી ?આટલા દાગીના પહેરીને નીકળો છો ?

મહિલા કાંઇ સમજે તે પહેલા ત્રીજો એક ગઠિયો આવ્યો હતો અને તેણે પોતાની ચેઇન કાઢી મહિલાની પૂછપરછ કરતા ગઠિયાને આપતા તેણે ચેઇન પડીકામાં બાંધી પરત કરી હતી.જેથી મહિલાને વિશ્વાસ પડતા તેણે પણ ૩ તોલાની ચેઇન,૪ તોલાની બંગડીઓ અને ૬ ગ્રામની વીંટી આપી દીધા હતા.

ગઠિયાએ પડીકામાં દાગીના બાંધી પરત કર્યા હતા જે ઘેર જઇ જોયુ તો અંદરથી બગસરાની ચાર બંગડીઓ નીકળી હતી.ગોત્રી પોલીસે બનાવની તપાસ હાથ ધરી છે.

(5:52 pm IST)