ગુજરાત
News of Tuesday, 24th April 2018

મહેમદાવાદમાંથી પોલીસે રિક્ષામાં બે પશુને કતલખાને લઇ જતા બચાવ્યા

મહેમદાવાદ:માં પસાર થતી રીક્ષામાંથી કતલખાને લઈ જવાતા બે પશુઓને બચાવાયા છે. પોલીસે આ ઘટનામાં રીક્ષા ચાલકની અટકાયત કરી છે. જ્યારે તેનો સાથી મિત્ર ઘટના સ્થળ ઉપરથી પલાયન થઈ ગયો છે. આ અંગે મહેમદાવાદ પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથધરી છે.
શહેરના અમદાવાદ રોડ ઉપર આવેલ વાત્રક નદીના પુલ પાસેથી ગત્ સાંજના સમયે પસાર થતી રીક્ષા નં.જી.જે.૭ વી.વી.૧૫૯૬ને પોલીસે અટકાવી હતી. રીક્ષામાં તપાસ આદરતા ક્રૃરતા પૂર્વક બે વાછરડાઓ પાછળની સાઈડે બાંધ્યા હતા. આ અંગે પોલીસે રીક્ષા ચાલક ફીરોજ અબ્દર રહેમાન ભઠીયાર અન અન્ય એક ઈસમ જલાલુદ્દીન ફકરુદ્દીન મલેક (બન્ને રહે.દાઉદપુરા, તા.મહેમદાવાદ)ને પુછતાછ કરતા તેઓએ આ વાછરડાઓને કતલખાને લઈ જતા હોવાનું કબુલ્યું હતું. જ્યારે આ ઘટનામાં જલાલુદ્દીન મલેક ઘટના સ્થળ ઉપરથી ફરાર થઈ ગયો હતો.પોલીસે રીક્ષા સહિત મોબાઈલ ફોન અને અન્ય મુદ્દામાલ કબ્જે કરી ફીરોજ ભઠીયારાને કસ્ટડીમાં લઈ વધુ પુછપરછ આરંભી છે. સાથે સાથે કતલખાને લઈ જવાતા પશુઓને પાંજરા પોળમાં મોકલી આપી ફરાર થયેલા ઈસમને શોધવા ચક્રોગતિમાન કર્યા છે.આજે મોડી સાંજે ઝડપાયેલ આરોપી ફીરોજ ભઠીયારાને કોર્ટમાં રજૂ કરી પોલીસે રિમાન્ડ મેળવવા કાર્યવાહી હાથધરી છે.

(5:52 pm IST)