ગુજરાત
News of Tuesday, 24th April 2018

બેંકની લોન ન ભરતા વાપીના BMW કારના માલિકની ધરપકડ

સરદાર ભિલાડવાલા બેંકમાંથી રૂ.૪૩ લાખની લોન લેનારા હાર્દિક પટેલે કાર રૂ.૨૭ લાખમાં વેચી પણ દીધી હતી.

વાપી તા.૨૪: વાપીના છરવાડા ખાતે રહેતા ૩૫ વર્ષિય યુવાને બીએમડબલ્યુ ગાડી ખરીદવા લીધેલી લોન ભરપાઇ નહીં કરતાં નોંધાયેલી. ફરિયાદ આધારે તેની ધરપકડ કરવામાં આવી છે. સરદાર ભિલાડવાળા બેંક પાસેથી લીધેલી રૂ.૪૩ લાખની લોન ભરવાને બદલે રૂ.૨૭ લાખમાં કાર વેચી નાખી હતી તેવું પ્રસિધ્ધ થયું છે.

વાપીના છરવાડા ખાતે રહેતા હાર્દિક ધનસુખભાઇ પટેલે (ઉ.વ.આશરે ૩૫) સરદાર ભિલાડવાળા બેંકમાંથી બીએમ ડબલ્યુ ગાડી (નં.ડીએન-૦૯-એલ-૨૧૬) ખરીદવા માટે લોન માંગી હતી. રૂ.૪૯ લાખની ગાડી સામે બેંકે રૂ.૪૩.૩૬ લાખની લોન મંજુર કરી હતી. બાદ ગાડીના સમયસર હપ્તા નહી ભરી શકતા બેંક તરફથી નોટીસ આપવામાં હતી. નોટિસને પણ ગણકાર્યા વગર લોન ભરપાઇ કરવાને બદલે તેને મુંબઇના સલમાન શેખ નામના કાર  એજન્ટને રૂ.૨૭ લાખમાં ગાડી વેચી નાંખી હતી. બેંક લોન ભરપાઇ નહી કરતા ગત ઓગસ્ટ મહિનામાં બેેંકે તેની વિરૂદ્ધ વાપી જીઆઇડીસી પોલીસ મથકમાં ફરિયાદ આપી હતી. ફરિયાદના સાત મહિના બાદ તા.૧૮મી એપ્રિલના રોજ વલસાડ લોકલ ક્રાઇમ બ્રાન્ચે તેની ધરપકડ કરી હતી. આરોપી હાર્દિક પટેલને કોર્ટમાં રજૂ કરી તા.૨૪મી સુધીના રિમાન્ડ મેળવવામાં આવ્યા છે. પોલીસ પૂછપરછમાં તેણે જણાવ્યું કે, તેની માતા સરદાર ભિલાડવાળા બેંકમાં સભાસદ હોવાથી તેને સરળતાથી લોન મળી જાય તે માટે અરજી કરી હતી. બાદમાં હાર્દિક પટેલે ગામમાં જ રહેતી છોકરી સાથે લવમેરેજ કરી લેતા ગામમાંથી તેને હાંકી કઢાયો હતો. જેથી તે સેલવાસમાં પરિવાર સાથે ભાડાના મકાનમાં શિફટ થયો હતો. જો કે નાણાંની તંગી ઊભી થતાં તેણે મુંબઇ ખાતે ગાડીનો સોદો કરી નાંખ્યો હતો. અને પોતે બારએન્ડ રેસ્ટોરન્ટમાં નોકરી કરતો હતો. મોજશોખ પૂરા કરવા ઉછીના પૈસા અને બેંકમાંથી લોન લઇ ભરપાઇ કરવા અન્યો પાસેથી પૈસા ઉઘરાવવાનો તેનો નિત્યક્રમ બની ગયો હતો.

(3:59 pm IST)