ગુજરાત
News of Tuesday, 24th April 2018

ગાંધીનગરમાં પંચાયત પરિષદ મહાસમિતિની બેઠક પ્રારંભ

તમામ જીલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના ચૂંટાયેલા હોદેદારોની ઉપસ્થિતિ : રાજ્ય પ્રભારી રાજીવ સાતવ, પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ચાવડા, વિપક્ષી નેતા પરેશ ધાનાણીની હાજરીઃ પ્રશ્નો, વિવાદ અને સૂચનોની ચર્ચા

રાજકોટ, તા. ૨૪ :. ગુજરાત રાજ્ય પંચાયત પરિષદ મહાસમિતિની બેઠકનો આ લખાય છે ત્યારે ગાંધીનગર ટાઉન હોલ ખાતે પ્રારંભ થયો છે. કોંગ્રેસના રાજ્ય પ્રભારી રાજીવ સાતવ, પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, વિપક્ષી નેતા પરેશ ધાનાણી તથા પંચાયત પરિષદ મહાસમિતિના હોદેદારો ઉપસ્થિત રહ્યા છે. રાજ્યભરની પંચાયતોના પ્રશ્નો વિવાદો તથા સૂચનો અંગે ચર્ચા થશે. જેને સ્ટેટ કાઉન્સીલ સમક્ષ રજુ કરાશે અને રાજ્ય સરકાર સમક્ષ ઉકેલ માટે રજૂઆતો કરાશે.

બળવંતરાય મહેતાના સમયથી પંચાયત પરિષદ મહાસમિતિ કાર્યરત છે. જેમાં રાજ્યભરની જીલ્લા પંચાયતના ચૂંટાયેલા સભ્યોમાંથી એસોસીએશનના હોદેદારોની વરણી થાય છે. જે રાજ્યભરની જીલ્લા પંચાયતો, તાલુકા પંચાયતો અને દરેક ગ્રામ પંચાયતોમાંથી નોમીનેટેડ થયેલા સભ્યોનું માળખુ બનાવવામાં આવે છે.

હાલમાં જીલ્લા પંચાયતોમાં કોંગ્રેસનું વર્ચસ્વ છે જેના કારણે પંચાયત પરિષદ મહાસમિતિમાં કોંગ્રેસનું પ્રભુત્વ છે. આજે ૧૧ વાગ્યે ગાંધીનગર ટાઉન હોલ ખાતે મહાસમિતિની બેઠકનો પ્રારંભ થયો છે.

મહાસમિતિની ઓફિસ ખાતે ટ્રેનિંગ સેન્ટર પણ આવેલુ છે. આજે રાજ્યભરની જીલ્લા પંચાયતો, તાલુકા પંચાયતોના વિવિધ પ્રાણપ્રશ્નો અંગે ચર્ચા થશે. અમુક તફાવતો અંગે પણ વિસ્તૃત સલાહ સૂચનો થશે.

પંચાયત પરિષદ મહાસમિતિની કારોબારી સમિતિ વિવિધ પ્રશ્નોના નિરાકરણ માટે બાદમાં સ્ટેટ કાઉન્સીલ અને સરકારમાં યોગ્ય સ્તરે રજૂઆતો કરવામાં આવશે.

આજની બેઠકમાં કોંગ્રેસના રાજય પ્રભારી રાજીવ સાતવ, પ્રમુખ ચાવડા, તથા વિપક્ષી નેતાની હાજરી હોવાના કારણે આ બેઠક મહત્વની બની ગઈ છે. આ બેઠકમાં મહત્વના નિર્ણયો પણ  લેવામાં આવશે.

કોંગ્રેસ પ્રમુખને જન્મદિવસે ચોમેરથી અભિનંદન વર્ષા

ગુજરાતના નવનિયુકત પ્રદેશ પ્રમુખ અમિતભાઇ ચાવડા આજે ૪૨ વર્ષ પુર્ણ કરી ૪૩માં વર્ષમાં  પ્રવેશ કરી રહ્યા છે. તેજતર્રાર, સ્પટષ્વકતા અને સક્રિય આગેવાન અમિતભાઇ ચાવડાને રાજયભર માંથી કોંગીજનો, મિત્રો, સબંધીઓ, સ્નેહીઓ તથા ચાહકો તરફથી જન્મદિવસની અભિનંદન વર્ષા થઇ રહી છે. આજે બપોરના ૨ વાગ્યે પ્રદેશ કાર્યાલય ખાતે કોંગ્રેસ આગેવાનો, કાર્યકરો અને પ્રસંશકોની રૂબરૂ તેઓ શુભેચ્છા મેળવશે.

(4:37 pm IST)