ગુજરાત
News of Monday, 23rd April 2018

હૈ ? હવે સરકારી શાળામાં એડમિશન માટે વેઇટિંગ

ખાનગી શાળામાં ફીના ભારણથી ઉલ્ટી ગંગા કે શિક્ષણ સ્તર અને સુવિધામાં સુધારાથી સરકારી શાળા તરફ આકર્ષિત ?

સુરત ;મોટેભાગે સરકારી શાળામાં ભણવા માટે નાકનું ટેરવું ચડાવતા વિદ્યાર્થીઓ અને વાલીઓ હવે સરકારી શાળા તરફ આકર્ષિત થયા છે મનપા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળાઓમાં ગરીબ ઘરના બાળકો અભ્યાસ કરતા હતા.હવે ગરીબ બાળકો પણ ખાનગી શાળામાં અભ્યાસ કરવા લાગ્યા હતા એક સમયે સરકારી શાળાઓમાં જોઇએ તેવી સુવિધાઓ ન હતી. પરંતુ હવે સરકારી શાળાઓમાં ઘણો સુધારો થઈ ગયો છે. ત્યારે લોકો એકવાર ફરી સમિતિ સંચાલિત શાળાઓ પર વળી રહ્યા છે. 

   શિક્ષણ સમિતિની કતારગામ તથા લીંબાયત ઝોનમાં આવેલી શાળાઓમાં 500થી વધુ વિદ્યાર્થીઓ એડમિશન લેવા માટે વેઇટિંગમા ઊભા છે. વાલીઓ સમિતિની શાળાઓમાં એડમિશન માટે ધક્કા ખાતા જોવા મળી રહ્યા છે. 95 ટકા વિદ્યાર્થી ખાનગી શાળામાંથી આવી રહ્યા છે. જેથી શાળામાં વિદ્યાર્થીઓની સંખ્યા હાઉસફુલ થઇ ગઇ છે.

   એક તરફ વાલીઓ પર ખાનગી શાળાની ફીનું ભારણ વધ્યું છે  ત્યારે બીજી તરફ સરકારી શાળાના સ્તરમાં સુધારો આવ્યો છે. વાલીઓ પોતાના બાળકોને ફરી સરકારી શાળામાં ભણાવવા માટે તૈયાર થયા છે.

    આ અંગે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેને જણાવ્યું કે, આ એક શાળા માટે ખૂબ સારો પ્રતિભાવ છે. આ વિસ્તારના લોકોને શાળા પર વિશ્વાસ છે. આ વર્ષે આ શાળામાં પ્રવેશ માટે ખુબ ઘસારો જોવા મળી રહ્યો છે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ તમામ બાળકને ફ્રીમાં શિક્ષણ આપે છે.  ખાનગી શાળામાં જે સુવિધા હોય છે તે તમામ સુવિધા અહીં આપવામાં આવે છે. આ સુવિધાઓ જોઈને વાલીઓ પણ પોતાના બાળકોને ખાનગી શાળામાંથી ફરી સરકારી શાળામાં અભ્યાસ કરવા માટે મુકવા આવે છે. આ વર્ષે અમારી બંન્ને શાળામાં પ્રવેશ મેળવવા માટે ખુબ જ વેઇટિંગ જોવા મળી રહ્યું છે. 

(8:49 pm IST)