ગુજરાત
News of Tuesday, 24th April 2018

અમદાવાદમાં માતા-પિતા વિહોણા બંને ભાઇઓને મૂળ દિલ્હીના દંપત્તિઅે દત્તક લીધા

અમદાવાદઃ મૂળ દિલ્હીના દંપત્તિઅે અમદાવાદમાં શિશુગૃહમાંથી કરણ અને અર્જુન નામના બે ભાઇઓને દત્તક લઇને માતા-પિતાની હુંફ આપી છે.

કરણની ઉંમર 8 વર્ષ અને અર્જુનની ઉંમર 5 વર્ષ છે. અમદાવાદના કોઈ પણ અનાથઆશ્રમમાંથી આટલી મોટી ઉંમરમાં દત્તક લેવાયેલા આ પહેલા ભાઈઓ છે.

રવિવારના રોજ મૂળ દિલ્હીના કપલ મનોજ અને રુક્મિણીએ બધી ઔપચારિકતા પુરી કરીને આ ભાઈઓને પોતાના પરિવારનો હિસ્સો બનાવ્યા હતા. પાલડીમાં આવેલા શિશુ ગૃહમાં એક સેરેમનીનું આયોજન કરવામાં આવ્યુ હતું.

શિશુ ગૃહના સુપ્રીટેન્ડન્ટ મેહુલ પટેલ જણાવે છે કે, 2017માં અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ રોડ પર આ ભાઈઓ મળી આવ્યા હતા. ત્યારે તેમની ઉંમર પાંચ અને ત્રણ વર્ષ હતી. પોલીસે તેમના માતા-પિતાને શોધવાનો પ્રયાસ કર્યો પરંતુ મળી નથી શક્યા. ત્યારપછી તેમને જૂન 2017માં શિશુ ગૃહમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. મેડિકલ ટેસ્ટ અનુસાર આ બન્ને સગા ભાઈઓ છે.

મેહુલ પટેલ જણાવે છે કે, બાળકો હિન્દી ફિલ્મ કરણ-અર્જુન જોઈ રહ્યા હતા અને તેમણે આ ભાઈઓને પણ તે જ નામથી બોલાવવાનું શરુ કરી દીધુ. અને પછી તેમના નામ કરણ અને અર્જુન જ પડી ગયા. ન્યુઝપેપરની જાહેરાતોનો કોઈ જવાબ ન મળવાને કારણે અને પોલીસ રિપોર્ટના આધારે 2018ની શરુઆતમાં આ બાળકોના નામ દત્તક લેવાની યાદીમાં ઉમેરી દેવામાં આવ્યા હતા. અમદાવાદ ડિસ્ટ્રીક્ટ પ્રોબેશન એન્ડ આફ્ટરકેર અસોસિએશનના સેક્રેટરી દર્શન વ્યાસ જણાવે છે કે, મોટાભાગના પેરેન્ટ્સ ઈચ્છતા હોય છે કે નાના બાળકોને દત્તક લે, જેથી તે તેમના નવા પરિવારમાં સરળતાથી ભળી શકે. શિશુ ગૃહના લગભગ 77 બાળકોને દત્તક લેવામાં આવ્યા છે, પણ મોટાભાગના બાળકો પાંચ વર્ષથી નાની ઉંમરના હોય છે.

તેમણે આગળ જણાવ્યું કે, સગા ભાઈઓ અથવા બહેનોને દત્તક લેવા નવી વાત નથી. લગભગ 3 વર્ષ પહેલા બે સગી બહેનોને દત્તક લીધી હતી. પરંતુ આ પહેલો એવો કેસ છે જેમાં આઠ વર્ષ અને પાંચ વર્ષના બાળકને દત્તક લેવામાં આવ્યા હોય. એક પ્રાઈવેટ યૂનિવર્સિટીના મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ મનોજ અને તેમના શિક્ષક પત્નીએ 2015માં સેન્ટ્રલ અડોપ્શન રિસોર્સ ઓથોરિટી(CARA)માં રજિસ્ટર કરાવ્યુ હતું.

મનોજ જણાવે છે કે, પહેલાથી અમારી ઈચ્છા બે બાળકો દત્તક લેવાની હતી. મારું માનવુ છે બે બાળકો હોવા સારા છે. આ બે બાળકો સાથે થોડોક સમય પસાર કર્યા પછ મનોજ અને તેમના પત્નીએ તરત જ તેમને દત્તક લેવાનો નિર્ણય લઈ લીધો હતો. તેમના પત્ની રુક્મિણી કહે છે કે, આ બાળકોએ અમારા જીવન અને પરિવારને પૂરો કર્યો છે.

(6:17 pm IST)