ગુજરાત
News of Monday, 23rd April 2018

વિસનગર પાસેના ગામની છાત્રાને યુવકે લઇ જઇ મહેસાણાના ગેસ્ટ હાઉસમાં બળાત્કાર ગુજાર્યો

વિસનગરવિસનગર પાસેના ગામની છાત્રાને યુવક લલચાવી ફોસલાવી તેના મોટરસાઇકલ ઉપર મહેસાણાના ગેસ્ટ હાઉસમાં લઇ જઇ બળાત્કાર ગુજારતાં છાત્રાએ વિસનગર તાલુકા પોલીસ મથકે યુવક વિરૃધ્ધ ફરિયાદ નોંધાવતાં પોલીસે છાત્રાનું મેડીકલ કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનાની જાણ વિસનગરમાં થતાં ચકચાર મચી જવા પામી છે.

વિસનગર પાસેના ગામની છાત્રાને ચૌધરી ઇશ્વરભાઇ મણિલાલ ગણેશભાઇએ લલચાવી ફોસલાવી તેણીને ગામની બહાર બોલાવી મોટર સાઇકલ ઉપર ભગાડી જઇ મહેસાણા ગેસ્ટ હાઉસમાં લઇ ગયો હતો. હોટલવાળાએ સગીરા જોઇ તેને રૃમ ભાડે આપવા ઇન્કાર કરી દીધો હતો ત્યારબાદ તેને અન્ય મહિલાનું ચુંટણી કાર્ડ આપી બીજા ગેસ્ટ હાઉસમાં પ્રવેશ મેળવી તેણીને હોટલમાં લઇ જઇ તેની મરજી વિરૃધ્ધ બળાત્કાર ગુજાર્યો હતો. વહેલી સવારે તેના ગામમાં હોબાળો થતાં તેણીને હોટલ નીચે મુકીને ભાગી ગયો હતો.

છાત્રાના વાલીએ તેને ઘરે લાવી પુછપરછ કરતાં ઉપરોક્ત હકીકત બહાર આવતાં છાત્રાને લઇ વિસનગર તાલુકા પોલીસ મથકે લઇ આવતાં ઇન્ચાર્જ પી.આઇ.આઇ.આર.પરમારે છાત્રાનું નિવેદન મેળવી તેણીને મેડિકલ કરાવવા મોકલી આપી હતી અને છાત્રાની ફરિયાદ લઇ ચૌધરી ઇશ્વરભાઇ મણિલાલ ગણેશભાઇ સામે ગુનો નોંધી કાયદેસરની તપાસ હાથ ધરી છે.

(12:18 pm IST)