રાજપીપળા ટેકરા ફળીયા માં ચૂંટણી બાબતે બબાલ : તલવાર,પાઇપ વડે હુમલો કરનાર બે સામે ફરિયાદ
(ભરત શાહ દ્વારા) રાજપીપળા :તાજેતરમાં પાલીકા, પંચાયતોની ચૂંટણી યોજાઈ તેના પરિણામો પણ આવી ગયા છતાં હજુ ચૂંટણી બાબતે રાજપીપળામાં બબાલ જોવા મળે છે જેમાં ટેકરા ફળીયા વિસ્તારમાં તલવાર અને પાઇપ વડે હુમલો કરનાર બે વિરુદ્ધ ગુનો દાખલ થયો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર રાજપીપળા ટેકરા ફળિયામાં રહેતા અમીતભાઇ વિઠ્ઠલભાઇ વસાવા ની ફરિયાદ મુજબ તે ફળિયામાં જુની પાણીની ટાંકી સામે પોતાની ગાડી ઉપર બેઠા હતા તે વખતે શ્રવણભાઇ ઉર્ફે છોટુ બુધાભાઇ વસાવા તથા રોહીતભાઇ રાજેશભાઇ વસાવા (બન્ને રહે . ટેકરા ફળીયા) તેમની પાસે આવી કહેવા લાગેલ કે , તુ કેમ અમારી સામે ઇલેકશનમાં ઉભો રહ્યો હતો અને તુ કેવો ટેકરા ફળીયામાં રહે છે તેમ કહી ગમે તેમ ગાળો બોલતા ફરી એ ગાળો બોલવાની ના પાડતા શ્રવણ એ તલવારથી મારવા જતા અમિત એ તલવાર પકડી લેતા નાકના ભાગે ઘસરકો પડી ગયેલ અને રોહિત એ પાઇપ વડે માથામા તથા પીઠના ભાગે ગેબી ઇજા કરી તું કેવો બીજી વાર અમારી સામે ચૂંટણીમાં ઉભો રહે છે, જાનથી મારી નાખીશુ તેવી ધમકી આપી એક બીજાની મદદગારી કરી ગુનો કરતા રાજપીપળા પોલીસે કાયદેસર કાર્યવાહી કરી છે.ઇજગ્રસ્ત યુવાન હાલ રાજપીપળા સિવિલમાં સારવાર હેઠળ છે