ગુજરાત
News of Sunday, 24th March 2019

સુરતમાં ગુનેગારો બેખોફ :વધુ એક યુવકની ચપ્પુના ઘા ઝીંકી કરપીણ હત્યા :ત્રણ દિવસમાં પાંચમી હત્યા

લૂંટના ઇરાદે હત્યા થયાનું પ્રાથમિક તારણ ;સચિન પોલીસે અજાણ્યા શખ્શો વિરુદ્ધ ફરિયાદ નોંધી શોધવા ચક્રો ગતિમાન કર્યા

 

સુરત ;સુરતમાં ગુનેગારો બેખોફ બન્યા છે દિવસેને દિવસે ગુનાખોરીનું પ્રમાણ વધી રહ્યું છે. સુરતથી આજે ફરી એક હત્યાની ઘટના સામે આવતા પોલીસની કામગીરી પર અનેક પ્રશ્નો ઉઠી રહ્યા છે.

  સુરતમાં એક યુવકની હત્યા થઈ હોવાની ઘટના સામે આવી છે. યુવકની ચપ્પુના ઘા ઝીંકી હત્યા કરાઈ હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. શુક્રવારે મધરાત્રે યુવકની બિનવારસી હાલતમાં લાશ મળી આવી હતી.
   
એક અઠવાડીયા અગાઉ મૃતક કાદિર પોતાના પિતરાઈ ભાઈને ત્યાં રોજગારી માટે સુરત આવ્યો હતો. કાદિર મૂળ યૂપીનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે. તે કામ પર જવા માટે બપોર બાદ નીકળ્યો હતો, જે ઘરે પરત ફર્યો અને તેની લાશ મળી આવી હતી. મુદ્દે પોલીસે તેના પરિવારને જાણ કરી હતી.
 
પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, યુવકની બોડી પર જાંગ અને પીઠના ભાગે ઈજાના સાતથી 8 નિશાન મળી આવ્યા હતા. જેથી યુવક પર કોઈએ ચપ્પાથી હુમલો કર્યો હશે અને લોહી વહેવાથી મોત નિપજ્યું હશે.
પોલીસ હાલમાં હત્યાનું કારણ શોધવાની કોશિસ કરી રહી છે. પ્રાથમીક તપાસમાં લૂંટના ઈરાદે હત્યા થઈ હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. જોકે, સુરતના સચિન વિસ્તારની પોલીસે અજાણ્યા વ્યક્તિઓ વિરુદ્ધ ફરિયાદ નોંધી ગુનેગારોને શોધવા ચક્રો ગતિમાન કરી દીધા છે.
   
અત્રે ઉલ્લેખનીય છે કે સુરતમાં માત્ર ત્રણ દિવસમાં પાંચમી હત્યાની ઘટના સામે આવી છે. સુરતમાં ગુનેગારોને પોલીસનો કોઈ ભય રહેતા પોલીસની કામગીરી સામે પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. સુરતનો જેટલો ઝડપથી વિકાસ થઈ રહ્યો છે તેની સાથે ગુનાઓનું પ્રમાણ પણ વધી રહ્યું છે

(11:18 am IST)