ગુજરાત
News of Sunday, 24th March 2019

ખોડલધામના નરેશ પટેલના પુત્રને ઉતારવાને લઇને ચર્ચા

ધાનાણી અને નરેશ પટેલ વચ્ચે બંધબારણે બેઠક શિવરાજ પટેલ મેદાનમાં ઉતરે તો સૌરાષ્ટ્રની અન્ય સીટો પર ફાયદો મળે તેવું કોંગ્રેસનું ગણિત : રાજકારણ ગરમાયુ

અમદાવાદ,તા. ૨૩ : લોકસભાની બેઠક પર ભાજપ સામે મોટું માથુ ઉતારવાના કોંગ્રેસના ગણિતમાં ખોડલધામ ટ્રસ્ટના પ્રમુખ નરેશભાઈ પટેલના પુત્ર શિવરાજનું નામ ચર્ચાઈ રહ્યું છે. નરેશ પટેલ અને પરેશ ધાનાણી વચ્ચે બંધ બારણે બેઠક યોજાઈ હતી. જેને પગલે નરેશ પટેલના પુત્રને કોંગ્રેસ ચૂંટણીમાં મેદાનમાં ઉતારો અને ભાજપ સામે લડાવે તેવી ચર્ચા તેજ બની છે. કોંગ્રેસ નરેશભાઈનાં પુત્રને મેદાનમાં ઉતારે તેવા તર્ક વિતર્ક સાથેની વાત ખોડલધામમાં પણ ચર્ચાઈ રહી છે. જો શિવરાજ પટેલ મેદાનમાં ઉતરે તો સૌરાષ્ટ્રની અન્ય સીટો પર પણ ફાયદો મળે તેવું કોંગ્રેસનું ગણિત છે. એટલે કે હવે કોંગ્રેસ પણ ભાજપ સામે દાવ ખેલવાના મુડમાં છે. રાજકોટ બેઠક પર ભાજપ તરફે વર્તમાન સાંસદ મોહનભાઈ કુંડારીયાનું પલ્લું ભારે છે. રાજકોટ બેઠક પર લેઉવા પાટીદાર મતદારો બમણા જેવા હોવાથી લેઉવા પાટીદાર સમાજનું મોટું માથુ ઉતારવાની વેતરણમાં છે. શિવરાજના કહેવા મુજબ આવી વાતો ચાલી રહી છે પરંતુ આ બધી વાત વચ્ચે ભાઈજી (મોટાબાપુ રમેશભાઈ) તથા પરિવારના સભ્યોની સહમતિ અને પરિવારનો નિર્ણય જ આખરી નિર્ણય રહેશે. ટંકારાના કોંગ્રેસના ધારાસભ્ય લલિત કગથરાએ જણાવ્યું હતું કે, નરેશ પટેલનો પુત્ર શિવરાજ કોંગ્રેસમાંથી ચૂંટણી લડે તો કોંગ્રેસ માટે સુવર્ણ દિવસ કહેવાય. નરેશ પટેલ સૌરાષ્ટ્રમાં ખાસ્સી નામના ધરાવે છે. નરેશ પટેલ કે તેના પરિવારમાંથી કોઇ ચૂંટણી લડે તો સૌરાષ્ટ્રની તમામ બેઠક ઉપરાંત અમદાવાદ, સુરત બેઠક પર પણ તેની અસર જોવા મળી શકે છે. આમ, લોકસભાની ચૂંટણીને લઇ ભાજપ અને કોંગ્રેસની એકથી એક ચઢિયાતી કૂટનીતિને લઇ રાજકારણ ગરમાઇ રહ્યું છે.

 

(8:23 pm IST)