ગુજરાત
News of Saturday, 24th March 2018

અમદાવાદમાં ૭૦ વર્ષ જુના વડના વૃક્ષને બચાવવા સોશ્યલ મીડિયાનો ઉપયોગ કરીને વિરોધ પ્રદર્શન કરતા સફળતા મળીઃ વૃક્ષને કાપવાનો કોર્પોરેશને વિચાર મોકૂફ રાખ્યો

અમદાવાદઃ સોશ્યલ મીડિયાનો ઘણી વખત દુરૂપયોગ તો ઘણી વખત સદ્ઉપયોગ પણ થઇ જાય છે. ત્યારે અમદાવાદમાં  ૭૦ વર્ષ જુના વડના વૃક્ષને કપાતુ બચાવવા માટે સોશ્યલ મીડિયા દ્વારા શરૂ કરાયેલ વિરોધના અંતે કોર્પોરેશન તંત્રએ વૃક્ષ કાપવાનો નિર્ણય મોકૂફ રાખ્યો છે.

શહેરના પર્યાવરણવિદ્ મધુ મેનને જણાવ્યું કે, ‘વસ્ત્રાપુરમાં રોડ પહોળો કરવાનો હોવાથી આ વડ વૃક્ષ કાપવાનું છે, તેવી વાત મને ઈસરોના સાયંટિસ્ટ અને મારા મિત્ર તરફથી જાણવા મળી. જે બાદ મેં સોશિયલ મીડિયા પર આ અંગે પ્રોટેસ્ટ શરૂ કરી. મેં એક ગ્રુપ બનાવ્યું, અને થોડા જ કલાકોમાં આ વાત વાયરલ થઈ ગઈ. મને ઘણાં લોકોની પ્રતિક્રિયાઓ મળતી ગઈ, જેમાં કેટલાંક AMCના અધિકારીઓની પણ હતી. વૃક્ષને બચાવવા સોશિયલ મીડિયા એકદમ સક્રિય થઈ ગયું.

મેનને કહ્યું કે, ‘વડ માત્ર એક ઝાડ નથી પણ એક ઈકોસિસ્ટમ છે. વડના વૃક્ષ સાથે આપણી સંસ્કૃતિ જોડાયેલી છે. ઘણાં પક્ષીઓ સાંજે આ વૃક્ષ પર આવીને વિશ્રામ કરે છે. જો વૃક્ષને બચાવી શકાશે તો ઘણાંનું જીવન સરળ કરી શકાશે. AMCના અધિકારીઓએ ઝાડ ન કાપવાની અમને ખાતરી આપી છે, છતાં તે કાપે તેવી શક્યતા છે.

AMCના પાર્ક અને ગાર્ડનના ડિરેક્ટર જિજ્ઞેશ પટેલે કહ્યું કે, ‘ઝાડ કાપવા અંગે હજુ સુધી તેમણે કોઈ નિર્ણય કર્યો નથી. અમે લોકોની ધાર્મિક લાગણીઓ સમજીએ છીએ એટલે જ અમે હજુ સુધી કોઈ નિર્ણય નથી કરી શક્યા. માત્ર રોડ પર આવેલા ગેરકાયદે બાંધકામ તોડવાનો જ આદેશ આપ્યો છે.

મ્યુનિસિપલ કમિશ્નર મુકેશ કુમારે કહ્યું કે, ‘અમે આ મામલાનો નિકાલ લાવવાનો ઉપાય શોધી રહ્યા છીએ, અને એ પ્રમાણે અને નિર્ણય કરીશું.

(6:17 pm IST)