ગુજરાત
News of Saturday, 24th March 2018

ખંભાતની ચોક્સી બજારમાં બે મહિલાઓએ એક શખ્સની થેલીને બ્લેડ મારી 40 હજારની મતા ચોરી

ખંભાત:શહેરના ચોક્સી બજારમાં ગઈકાલે સવારના સુમારે બે મહિલાઓ દ્વારા કલમસરના એક વ્યક્તિની થેલીને બ્લેડ મારીને તેમાંથી રોકડા ૪૦ હજારની ચોરી કરીને ફરાર થઈ જતાં અંગે ખંભાત શહેર પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ઘરી છે. 

 


પ્રાપ્ત વિગતો અનુસાર કલમસર ગામના રોહિતવાસમાં રહેતા પરસોત્તમભાઈ ખોડાભાઈ રોહિતના પુત્રના મે મહિનામાં લગ્ન લેવાયા છે જેથી સોના-ચાંદીના દાગીના ખરીદવાના હોય તેઓ સવારના સુમારે ખંભાત આવ્યા હતા અને ઝંડા ચોકમાં આવેલી દેના બેંકમાં જઈને પોતાના ખાતામાંથી ૪૦ હજાર ઉપાડીને એક થેલીમાં મુકી ત્યાંથી ચાલતા-ચાલતા ચોક્સી બજારમાં ગયા હતા. બેંકેથી બે મહિલાઓએ તેમનો પીછો કર્યો હતો. 

પરસોત્તમભાઈ નરેન્દ્રભાઈ ચોક્સીની દુકાને જઈને ઘરેણાના ભાવતાલ કરતા હતા ત્યારે પેલી બે મહિલાઓ આવી ચઢી હતી અને તેમણે પણ દાગીના ખરીદવાના હોય તેમ ભાવતાલ ચાલુ કર્યા હતા. દરમ્યાન પરસોત્તમભાઈની થેલીને બ્લેડ વડે બે ચીરા મુકીને તેમાંથી ૪૦ હજાર ચોરી કરી લીઘા હતા અને ત્યાંથી સીફતપૂર્વક ફરાર થઈ ગઈ હતી. થોડીવાર બાદ પરસોત્તમભાઈએ થેલીમાં નજર કરી તો પૈસા નહોતા અને બે જગ્યાએ ચીરા પડેલા હતા જેથી બન્ને મહિલાઓની તપાસ કરી હતી પરંતુ કોઈ મળી આવ્યુ નહોતુ જેથી તેઓએ ખંભાત શહેર પોલીસ મથકે જઈને પોતાની ફરિયાદ આપતાં પોલીસે ગુનો દાખલ કરીને સીસીટીવી ફુટેજના આધારે બન્ને મહિલાઓને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

(5:47 pm IST)