ગુજરાત
News of Wednesday, 24th February 2021

સુરતમાં કોંગ્રેસે ટિકીટને લઇને જે રીતે પાસ સાથે વિવાદ કર્યો તેના કારણે કોંગ્રેસને મહાનગરપાલિકામાં કારમી હારનો સામનો કરવો પડયોઃ પાસના આગેવાનોએ છૂપી રીતે આપને ટેકો દઇ દીધો

સુરત: છેલ્લા 25 વર્ષથી સુરત મહાનગર પાલિકા પર ભાજપની સત્તા જોવા મળી હતી. જો કે, આ વખતે કોંગ્રેસે ટિકિટને લઈને જે રીતે પાસ સાથે વિવાદ કર્યો હતો, જેને કારણે કોંગ્રેસે કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. આ વખતે જે જંગ હતો તે ભાજપ અને આમ આદમી પાટી વચ્ચેનો હતો. જેમાં પાસના આગેવાનો દ્વારા છૂપી રીતે આમ આદમી પાર્ટીને ટેકો જાહેર કરતા પાટીદાર ગઢમાં આમ આદમી પાર્ટીનું વર્ચસ્વ જોવા મળ્યું હતું. સુરત મહાનગરપાલિકામાં ભાજપ 93 સીટ અને આમ આદમી પાર્ટી 27 સીટથી વિજય બન્યા હતા. જ્યારે કોંગ્રેસે એક પણ સીટ પર પોતાનું ખાતું નહીં ખોલાવતા કાર્યકરોમાં રોષનું વાતાવરણ જોવા મળ્યું હતું.

વર્ષ 1995 થી સુરત મહાનગર પાલિકા પર ભાજપનો કબજો રહ્યો છે. આ વખતની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસે એક ટિકિટને લઈ પાસ નેતા સાથે વિવાદ કર્યો હતો. જેને લઇને પાસ નેતા તથા કાર્યકરોમાં રોષનું વાતાવરણ જોવા મળ્યું હતું. પાસ નેતા દ્વારા ખુલ્લેઆમ ચેલેન્જ ફેંકવામાં આવી હતી કે પાટીદાર ગઢમાં તેમના નેતાઓ એક પણ સભા કરીને બતાવે. આ ઉપરાંત જે પણ પાટીદાર કોંગ્રેસના ઉમેદવાર હશે તેમને પોતાની મહેનત અને કામોને લઈ જીતવા કહ્યું હતું.

આમ આ વખતનો સીધો જંગ કોંગ્રેસ, ભાજપ અને આમ આદમી પાટી વરચે ત્રી પાખીયો જોવા મળ્યો હતો. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં હાર્દિક પટેલે ફક્ત કતારગામ વિસ્તારમાં જ એક સભા કરી હતી. તે સિવાય કોંગ્રેસ દ્વારા કોઈપણ સભા પાટીદાર ગઢમાં કરવામાં આવી ન હતી. આ ઉપરાંત કોંગ્રેસ દ્વારા ક્યારેય પોતાના પ્રચારના બેનરો લગાડવામાં આવ્યા ન હતા. બીજી તરફ આમ આદમી પાર્ટી દ્વારા પાટીદાર વિસ્તારમાં ફરી એક મોકો આપને આપવા માટે અપીલ કરી હતી.

આમ આદમી પાર્ટી દ્વારા ફ્રી એજ્યુકેશન, વેરો તથા પાણીના બિલો નાબૂદ કરવાના વચનો આપ્યા હતા. ત્યારે આ તમામ મેનિફેસ્ટો વચ્ચે સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાઈ હતી. જેમાં કોંગ્રેસે 120 બેઠક પરથી એક પણ સીટ પર પોતાનું ખાતું ખોલાવ્યું ન હતું. જ્યારે બીજી તરફ આમ આદમી પાર્ટીની પાંચથી છ સીટ માનવામાં આવી રહી હતી. ત્યાં આ પાર્ટી પાટીદાર ગઢમાં પોતાનું વર્ચસ્વ સ્થાપવામાં સફળ રહી હતી. આમ આદમી પાર્ટી સુરતમાં પાટીદારના ઘરમાં 27 જેટલી બેઠકો જીતવામાં સફળ રહી હતી. જેમાં છ પેનલો માં આમ આદમી પાર્ટી જીતી હતી

જ્યારે ભાજપના ફાળે 93 જેટલી બેઠકો આવી હતી. પાછલા ટર્મમાં ભાજપના ફાળે 80 જેટલી સીટો આવી હતી. જ્યાં ક્યાંકને ક્યાંક ભાજપને આ વખતે 13 જેટલી સીટોનો ફાયદો થયો છે. કોંગ્રેસે જે રીતે હારનો સામનો કરવો પડ્યો હતો. ત્યારબાદ સુરત શહેર કોંગ્રેસ પ્રમુખ બાબુ રાયકાએ રાજીનામું ધરી દીધું હતું.

ત્યાર બાદ કોંગ્રેસના કાર્યકરોમાં રોષ જોવા મળ્યો હતો. ચોક બજાર કોંગ્રેસ કાર્યાલયની બહાર જ કાર્યકરો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો. શહેર પ્રમુખ બાબુ રાયકા તુષાર ચૌધરી સહિતના તમામ લોકોના પૂતળાદહન કરવામાં આવ્યા હતા. જે રીતે પરિણામો આવ્યા છે ત્યારબાદ સુરતમાં હવે ક્યાંય કોંગ્રેસનો કોર્પોરેટર ધારાસભ્ય કે સાંસદ નથી.

(4:45 pm IST)